International

અફઘાનિસ્તાનમાં પરિવારથી વિખૂટું પડેલું 2 મહિનાનું માસૂમ છેવટે પરિવારને મળ્યું

અફઘાનિસ્તાનમાં પરિવારથી વિખૂટું પડેલું 2 મહિનાનું માસૂમ છેવટે પરિવારને મળ્યું

- અમેરિકાના સૈનિકોને બાળક સોંપવાની તસવીર સમગ્ર વિશ્વમાં ખૂબ જ વાઈરલ થઈ હતી

- ભીડથી બચવા અમેરિકી સૈનિકોને સોંપી દેવાયેલું

- કાબુલમાં બાળકને તેના પરિવારને સોંપતાં પહેલાં બન્ને વચ્ચે એગ્રીમેન્ટ થયા

 

 

અફઘાનિસ્તાન,મંગળવાર

  કાબુલ પર તાલિબાને કબજો કર્યા ત્યાર બાદ 19 ઓગસ્ટ 2021ના રોજ એરપોર્ટ પર સર્જાયેલી ભારે અરાજક પરિસ્થિતિમાં 2 મહિનાનું બાળક ગુમ થઈ ગયેલું, જે છેવટે તેનાં માતા-પિતાને મળી ગયું છે. અસહ્ય ભીડથી બચાવવા માટે આ માસૂમ બાળકને દીવાલની બીજી બાજુ પર રહેલા અમેરિકાના સૈનિકોને સોંપી દીધું હતું. પિતાને લાગ્યું કે એરપોર્ટમાં જઈ તે તેમના બાળકને મેળવી લેશે, પણ જ્યારે તેમણે એરપોર્ટમાં પ્રવેશ કર્યો ત્યારે આ બાળકની કોઈ જ ભાળ મળી નહીં અને પરિવારથી તે વિખુટું પડી ગયું. અમેરિકાના સૈનિકોને બાળક સોંપવાની તસવીર સમગ્ર વિશ્વમાં ખૂબ જ વાઈરલ થઈ હતી.

  આ બાળકનું નામ સોહેલ અહમદી છે. 29 વર્ષના એક ટેક્સી ડ્રાઈવર હામિદ સફીને એરપોર્ટ પર આ બાળક મળી ગયું હતું અને તેને પોતાના ઘરે લઈ ગયો હતો. અહીં હામિદ અને તેની પત્નીએ માસૂમની માવજત કરી હતી. તેઓ આ બાળકને પાછું આપવા તૈયાર નહોતા, પણ સાત સપ્તાહથી વધારે સમય સુધી વાતચીત તથા તાલિબાન પોલીસની દરમિયાનગીરી બાદ જ હામિદે છેવટે બાળકને તેના પરિવારને કાબુલમાં પરત કર્યું.

સમગ્ર ઘટના શું હતી
  15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ અનેક અફઘાન નાગરિક દેશ છોડી જતા રહેવા ઈચ્છતા હતા. આ જ કારણથી કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. સોહેલનો પિતા મિર્જા અહેમદી પણ તેમના પરિવાર સાથે અમેરિકા જવા ઈચ્છતો હતો.તે અમેરિકાના દૂતાવાસમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. 19 ઓગસ્ટ 2021ના રોજ મિર્જા અહેમદી તેની પત્ની તથા બળકો સાથે ભારે ભીડ વચ્ચે એરપોર્ટમાં પ્રવેશવા માટે લાઈનમાં હતા. તે જ્યારે એરપોર્ટના પ્રવેશ દ્વાર નજીક પહોંચ્યો તો ભીડનું પ્રમાણ ખૂબ જ વધી ગયું. તેની પત્નીને ડર હતો કે આ ભીડથી તેનું માસૂમ કચડી ન જાય. આ સંજોગોમાં મિર્જાએ ભીડને મેનેજ કરી રહેલા દીવાલ પાસે ઉભેલા એક અમેરિકી સૈનિકને તેના આ દીકરાને સોંપી દીધું. મિર્ઝાને લાગ્યું હતું કે તે એરપોર્ટમાં જલદીથી દાખલ થઈ તેના દીકરાને સૈનિક પાસેથી લઈ લેશે. એરપોર્ટના એન્ટ્રી ગેટથી તે ફક્ત પાંચ મીટરના અંતર પર હતો, પણ તે સમયે તાલિબાનના સુરક્ષા દળોએ ભીડને પાછળ ધકેલી હતી. આ ઘટનામાં અહમદી, તેની પત્ની તથા અન્ય બાળકોને એરપોર્ટમાં પ્રવેશ કરવામાં આવે અડધા કલાકનો વધુ સમય લાગી ગયો. જ્યારે તે અંદર પહોંચ્યા ત્યારે સોહેલ ક્યાંય મળ્યો નહીં.

   અહમદીએ એરપોર્ટની અંદર તેના દીકરાને ખૂબ શોધ્યો. અધિકારીઓએ તેને માહિતી આપેલી કે તેના દીકરાને અલગથી દેશની બહાર લઈ જવામાં આવ્યો છે. ત્યારબાદ અહમદી તેની પત્ની અને અન્ય બાળકો સાથે ટેક્સાસના મિલિટ્રી બેઝ માટે રવાના થઈ ગયા. ત્યાં પહોંચીને તેમણે બાળકની ખૂબ જ શોધ કરી, પણ ત્યારે કોઈ જ માહિતી મળી નહી. અનેક મહિનાઓથી તેમને બિલકુલ ખબર ન હતી કે તેમનો માસૂમ ક્યાં છે.

  જે દિવસે અહમદી અને તેના પરિવારથી તેમનો માસૂમ અલગ થયેલો તે દિવસે કાર ડ્રાઈવર સફી તેના ભાઈના પરિવારને કાબૂલ એરપોર્ટ પર છોડવા માટે આવેલો. તે સમયે સફીને જમીન પર રડી રહેલું એક બાળક મળી આવ્યું હતું. સફીએ બાળકના માતાપિતાને ખૂબ શોધ્યા, પણ તેને કોઈ જ જાણકારી મળી શકી ન હતી. તે આ બાળકને તેના ઘરે લઈ ગયો હતો.

  સફીને ત્રણ દીકરી છે અને તેની પત્ની ઈચ્છતી હતી કે તેને એક દીકરો પણ હોય. આ સમયે સફી તથા તેની પત્નીએ નક્કી કર્યું કે આ બાળકને તે ઉછેરશે અને જ્યારે બાળકને તેનો પરિવાર મળી જશે ત્યારે તે પરત કરી દેશે. તેમણે આ બાળકનું નામ મોહમ્મદ આબેદ રાખ્યું હતું અને ફેસબુક પર પૂરા પરિવાર સાથે ફોટો પણ પોસ્ટ કર્યો. સફીના કેટલાક પડોશીઓએ આ બાળકની ઓળખ કરી.ફેસબૂક પર માહિતી મળ્યા બાદ અહેમદીએ અફઘાનિસ્તાનમાં રહેલા તેના સંબંધિઓનો સંપર્ક કર્યો અને સફીને મળી સોહેલને પાછો મેળવવા માટે કહ્યું.અહમદીના સંબંધીઓ જ્યારે સફીની પાસે પહોંચ્યા તો સફીએ બાળકને પાછું આપવાનો ઈન્કાર કર્યો. ત્યારબાદ સંબંધિઓએ તાલિબાન પોલીસ સમક્ષ આ અંગે ફરિયાદ કરી. પોલીસની દરમિયાનગીરી બાદ બાળકને તેના સંબંધિઓને સોપી દેવામાં આવ્યું. બાળકના પરિવારે સફીને 5 મહિના સુધી બાળકની કાળજી રાખવા બદલ એક લાખ અફઘાની (950 ડોલર) વળતર આપ્યું છે. સોહેલને પરત આપતી વખતે સફી અને તેનો પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. બાળકને પરત આપતી વખતે સફી અને તેની પત્ની ખૂબ જ રડતાં હતાં.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

અફઘાનિસ્તાનમાં પરિવારથી વિખૂટું પડેલું 2 મહિનાનું માસૂમ છેવટે પરિવારને મળ્યું