National

IAS-IPSના પોલિટિક્સમાં પ્રવેશ માટેના VRSના રાજકીય મિશ્રણની કેમેસ્ટ્રી અને હિસ્ટ્રી

IAS-IPSના પોલિટિક્સમાં પ્રવેશ માટેના VRSના રાજકીય મિશ્રણની કેમેસ્ટ્રી અને હિસ્ટ્રી

- કાનપુરના પોલીસ કમિશનર અસીમ અરુણ ભાજપમાં સામેલ

- સત્યપાલ મલિક પણ વીઆરએસ લઈને જોડાયા હતા ભાજપમાં

- બંગાળમાં VRS લઈને સામસામે લડયા હતા બે અધિકારી

 

નવી દિલ્હી, સોમવાર

         દેશના પહેલા મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદીથી લઈને જમ્મુ-કાશ્મીરથી આવનારા પહેલા યુપીએસસી ટોપર સુધી, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સત્યપાલસિંહથી લઈને છત્તીસગઢના યુવા આઈએએસ ઓ. પી. ચૌધરી સુધી, પીએમ નરેન્દ્ર મોદીના નિકટવર્તી એ. કે. શર્માથી લઈને સીએમ યોગી આદિત્યનાથના નજીકના અસીમ વરુણ સુધીના તમામ આઈએએસ, આઈપીએસ અથવા અન્ય અધિકારી રહ્યા છે, જેમણે સિવિલ સર્વિસ છોડીને રાજકારણનો માર્ગ પસંદ કર્યો અને વીઆરએસ લીધું.

          જ્યારે રિટાયરમેન્ટની નિર્ધારીત વયથી પહેલા કોઈ અધિકારી સેવાનિવૃત્તિ લે છે, તો તેને વીઆરએસ એટલે કે વોલ્યુન્ટરી, રિટાયરમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ અધિકારી વીઆરએસ લે છે, તો તેનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે.

          જેવું કે હાલમાં કાનપુરના પોલીસ કમિશનર આઈપીએસ અસીમ અરુણ કુમારે વીઆરએસ લીધું. અસીમ અરુણે આવું એટલા માટે કર્યું, કારણ કે તેઓ ભાજપમાં જોડાવા માંગતા હતા અને શક્ય છે કે વિધાનસભા ચૂંટણી પણ લડે.

            અસીમ અરુણ કોઈ પહેલા અધિકારી નથી, જેમણે આમ કર્યું છે, આના પહેલા પણ ઘણાં નામ આ યાદીમાં સામેલ છે. 1996 બેચના પીપીએસ અને ઈડીમાં કાર્યરત રાજેશ્વરસિંહનું નામ તો અરુણ કુમારની સાથે જ ચર્ચામાં ચાલી રહ્યું છે.

           રાજેશ્વરસિંહ ઈડીમાં હતા, અને ઓગસ્ટ, 2021માં તેમણે વીઆરએસ માટે અરજી કરી હતી. હવે તેમના વીઆરએસને મંજૂરી મળી ગઈ છે. રાજેશ્વર સિંહ ક્યારેક યુપી પોલીસમાં હતા અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે તેમની ઓળખ હતી. મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવે છે કે તેઓ પણ ભાજપમાં સામેલ થઈને યુપી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે.

ગુપ્તેશ્વર પાંડે-
           યુપીની વિધાનસભાની ચૂંટણી કોરોનાની ત્રીજી લહેર વચ્ચે થઈ રહી છે. આ વાયરસની એક લહેર ત્યારે પણ ચાલી હતી, જ્યારે 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનની ચર્ચા ખૂબ ચાલી હતી અને તેના કેન્દ્રમાં એક મહત્વનું બિંદુ બિહારના તત્કાલિન ડીજીપી ગુપ્તેશ્વર પાંડે પણ હતા.
ગુપ્તેશ્વર પાંડેએ ડીજીપીનું પદ છોડીને વીઆરએસ લીધું અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં સામેલ થયા હતા. ગુપ્તેશ્વર પાંડેનો ઈરાદો બક્સરથી ચૂંટણી લડવાનો હતો. પરંતુ આ બેઠક ગઠબંધનમાં ભાજપ પાસે ચાલી ગઈ હતી અને આમ ગુપ્તેશ્વર પાંડેના આરમાનો પર પાણી ફર વળ્યું હતું.

અરવિંદકુમાર શર્મા-
          1988ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અરવિંદકુમાર શર્મા એટલે કે એ. કે. શર્મા હાલ યુપી ભાજપના ઉપાધ્યક્ષ છે. એ. કે. શર્માઓએ 2021ની શરૂઆતમાં વીઆરએસ લીધું હતું. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટવર્તી માનવામાં આવે છે. ગુજરાતથી લઈને કેન્દ્ર સરકાર સુધી એ. કે. શર્માએ મોદી સાથે સરકારમાં કામ કર્યું છે. ગત વર્ષ જ્યારે તેઓ સેવાનિવૃત્ત થઈને લખનૌ આવ્યા, તો ચર્ચાઓ હતી કે યુપીની યોગી સરકારમાં તેમને મહત્વની ભૂમિકા આપવામાં આવશે. ખેંચતાણની ખબરો પણ આવી અને આખરે તેમને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું. ભાજપના પૂર્વ સાંસદ હરિનારાયણ રાજભરે એલાન પણ કર્યું હતુ કે ભવિષ્યમાં યુપીના સીએમ બનશે એ. કે. શર્મા.

ઓ. પી. ચૌધરી –
            ઓમ પ્રકાશ ચૌધરી તે નામ છે, જેમણે સિવિલ સર્વિસમાં બાજી મારીને છત્તીસગઢનું નામ રોશન કર્યું હતું. 2005ની બેચના આઈએએસ ઓ. પી. ચૌધરીએ જ્યારે સર્વિસ જોઈન કરી હતી, ત્યારે તેમની વય માત્ર 23 વર્ષની હતી. આખા રાજ્ય માટે તેઓ ગૌરવનો વિષય હતા, કારણ કે 2000માં જ્યારે છત્તીસગઢની રચના થઈ હતી, તેના પછી આ પહેલો મોકો હતો જ્યારે અહીંના કોઈ વ્યક્તિ આઈએએસ બન્યા હતા.
સર્વિસમાં તેમણે નામ કમાયું. રમનસિંહના નેતૃત્વવાળી ભાજપની સરકારનો કાર્યકાળ જોયો અને જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણી આવી તો તેમણે નોકરી છોડી દીધી. ભાજપની ટિકિટ પર ખરસિયા બેઠક પરથી ચૂંટણી લડયા, પરંતુ તેમા તેમને હાર મળી હતી. ચૂંટણીમાં હાર બાદ ઓ. પી. ચૌધરીને સર્વિસ જોઈન કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ તેને તેમણે સ્વીકાર્યો નહીં.

શાહ ફૈસલ-
              2010માં યુપીએસસી ટોપ કરનારા શાહ ફૈસલે પણ વીઆરએસ લીધું હતું. શાહ ફૈસલે જમ્મુ-કાશ્મીરમાંથી પહેલીવાર ટોપર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિને ટાંકીને તેમણે 2019માં વીઆરએસ લીધું હતું. પોતાની અલગ પાર્ટી બનાવી હતી. પરંતુ જલ્દીથી તેમનો મોહભંગ થયો અને તેઓ રાજકારણથી દૂર થઈ ગયા છે.

બે IPSની ચૂંટણીમાં ટક્કર-
             આઈપીએસ હુમાયૂં કબીરે જાન્યુઆરી -2021માં પોતાની સર્વિસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ પશ્ચિમ બંગાળમાં ચંદનનગરના પોલીસ કમિશનર હતા. તેઓ થોડા સમયમાં મમતા બેનર્જીની હાજરીમાં એક રેલીમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. મમતા બેનર્જીએ તેમને દેબરા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બન્યા અને તેમને ચૂંટણીમાં જીત મળી હતી.
તે ચૂંટણીમાં હુમાયૂં કબીરનો મુકાબલો પૂર્વ આઈપીએસ ભારતી ઘોષ સાથે થયો હતો. ભારતી ઘોષે જાન્યુઆરી-2018માં જ વીઆરએસ લીધું હતું અને ભાજપમાં સામેલ થયા હતા. 2019માં ભારતી ઘોષે ઘાટલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ પ્રચંડ મોદી લહેરમાં પણ તેઓ ટીએમસીના ઉમેદવાર સામે હારી ગયા હતા. બાદમાં 2021માં તેમને દેબરા બેઠક પરથી ભાજપે હુમાયૂં કબીર સામે ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ મમતા લહેરની વચ્ચે તેમની હાર થઈ હતી.
          ભારતી ઘોષ એક કાબેલ અને ફાયરબ્રાન્ડ મહિલા આઈપીએસ તરીકે ઓળખ ધરાવે છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈનોકોમિક્સમાંથી ભણેલા છે. ભારતી ઘોષ હાલ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે, જ્યારે હુમાયૂં કબીર મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની સરકારમાં મંત્રી છે.

આર. એસ. પ્રવીનકુમાર –
           1995ની બેચના આઈપીએસ અધિકારી આર. એસ. પ્રવીનકુમારને જુલાઈ-2021માં વીઆરએસ મળ્યું હતું. 26 વર્ષની સર્વિસ બાદ તેમણે આ નિર્ણય કર્યો હતો. ત્યારે પ્રવીનકુમારે કહ્યુ હતુ કે તેઓ સામાજીક ન્યાય સાથે જોડાયેલા બાબાસાહેબ આંબેડકર અને કાંશીરામના અધુરા સપનાઓને પૂર્ણ કરવા માંગે છે. તેમણે માયાવતીની બીએસપી જોઈન કરી. હાલ તેઓ બીએસપીના તેલંગાણા સ્ટેટ કોર્ડિનેટર છે અને સક્રિયપણે રાજનીતિ કરી રહ્યા છે.

સત્યપાલસિંહ-
          મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સત્યાપાલ સિંહ યુપીની બાગપત લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. 1980ની બેચના મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ સત્યપાલ સિંહ જાન્યુઆરી-2014માં વીઆરએસ લઈને નિવૃત્ત થયા હતા. ત્યારે તેઓ મુંબઈના પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. અહીંથી મુક્ત થઈને તેમણે ભાજપ જોઈન કરી અને 2014માં બાગપતથી ચૂંટણી લડીને જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી બન્યા હતા. 2019માં ફરીથી તેઓ સાંસદ બન્યા પરંતુ તેમને મંત્રી બનાવાયા નથી.

એચ. કે. પટેલ-
           2005ની બેચના આઈએએસ એચ. કે. પટેલે પણ ગત વર્ષ વીઆરએસ લીધું છે. તેઓ ગુજરાત સરકારમાં મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે, એચ. કે. પટેલ આ વર્ષના આખરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
આ સિવાય એ પણ ઘણાં નેતાઓ છે કે જેઓ ઘણાં સમય પહેલા સિવિલ સર્વિસ કે પોલીસ સેવા કે અન્ય અધિકારી તરીકેની જવાબદારી છોડીને રાજનીતિમાં જોડાયા હતા. આવા વિખ્યાત અધિકારીઓમાંથી પ્રખ્યાત રાજકારણી બનેલા કેટલાક નામો પણ જોઈએ. 

        છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી આઈપીએસ અને આઈએએસ બંને સેવાઓમાં પસંદ થયા હતા. તેઓ ડીએમ પણ રહી ચુક્યા હતા. બિહાર કડરના આઈએએસ યશવંતસિંહ ભાજપની સરકારમાં નાણાં મંત્રી રહી ચુક્યા છે અને હાલ તેઓ ટીએમસીમાં છે. મીરા કુમાર એક આઈએફએસ અધિકારી હતા, બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને લોકસભાના સ્પીકર પણ બન્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર પણ આઈએફએસ રહી ચુક્યા છે. નટવરસિંહ આઈએફએસ અધિકારી હતા, તેઓ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-1માં વિદેશ મંત્રી પણ હતા. અરવિંદ કેજરીવાલ આઈઆરએસ હતા અને હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

      દેશના પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીએ 2007માં વીઆરએસ લીધું હતું. કિરણ બેદી અન્ના આંદોલનનો ભાગ પણ રહ્યા હતા. તેના પછી રાજનીતિમાં આવ્યા અને ભાજપની ટિકિટ પર દિલ્હીમાં ચૂંટણી લડયા હતા. પરંતુ તેઓ

ચૂંટણી હારી ગયા અને હવે પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ છે.
          આ સિવાય હાલના મોદી કેબિનેટમાં મંત્રી હરદીપસિંહ પુરી આઈએફએસ રહી ચુક્યા છે અને પૂર્વ આઈએએસ આર. કે. સિંહ પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રહી ચુક્યા છે. તો વિદેશ મંત્રી એસ. જયશંકર પણ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ સચિવ તરીકે કામ કરી ચુક્યા છે. તેઓ એક આઈએફએસ અધિકારી રહી ચુક્યા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

IAS-IPSના પોલિટિક્સમાં પ્રવેશ માટેના VRSના રાજકીય મિશ્રણની કેમેસ્ટ્રી અને હિસ્ટ્રી