Gujarat

'ગોડસેગાથા' ગાનારાઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખે એસપીને આપ્યું આવેદનપત્ર

'ગોડસેગાથા' ગાનારાઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખે એસપીને આપ્યું આવેદનપત્ર

- જામનગરમાં હિન્દુ સેના દ્વારા તાજેતરમાં ગોડસે ગાથા યોજવામાં આવી હતી, જેમાં નથુરામ ગોડસેના ગુણગાન ગવાયા હતા

- લેખિત રજૂઆત થઇ હોવાથી આજે ગુનો નોંધાય તેવી સંભાવના

જામનગર, શુક્રવાર

  છેલ્લા બે-ત્રણ મહિનાઓથી જામનગરમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના આ મામલે હિન્દુ સેના મેદાનમાં આવતા એક પછી એક વિવાદ ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં હિન્દુ સેના દ્વારા પોતાના જ એક કાર્યકર ભાવેશ ઠુંમરના ઘરે ગોડસે ગાથા યોજવામાં આવી હતી. આથી, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ ઈન્ચાર્જ એસપી પાંડે સમક્ષ લેખિત રજૂઆત કરીને ગોડસે ગાથામાં સામેલ થનારા તમામની સામે ફરિયાદ નોંધવાની રજૂઆત કરી છે. જેના પગલે આજે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી સંભાવના છે.

 આઝાદીની લડતમાં અગ્રેસર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનુ અપમાન થાય તેવુ કૃત્ય આચરવામાં આવતા હોવાનુ જણાવી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ગોડસેની ગાથા ગાનારા સામે પોલીસ ફરીયાદની તજવિજ હાથ ધરાઇ છે.

  શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા) દ્વારા જિલ્લા પોલીસ વડાને પ્રતિક ભટ્ટ અને ભાવેશ ઠુંમર સહિત તપાસમાં જે ખુલે તે તમામ સામે ફરિયાદ દાખલ કરવા લેખિત રજુઆત કરાઇ છે. જેમાં જણાવાયુ છે કે, સામાવાળા હિન્દુ સેનાના નામે અવારનવાર અશાંતિ સર્જાય તે રીતે લોકોમાં ભડકાઉં નિવેદનો કરી વર્ગ વિગ્રહ ઉભુ કરવાનુ કાવતરૂ રચી રહ્યા છે.

  જેની સાથે રહેલા 20-25 લોકો બે દિવસ પુર્વે ઇન્દીરા રોડ પરની એક જગ્યામાં ગેરકાયદે મંડળી રચી વર્ગ વિગ્રહ પેદા થાય તે રીતે કાવતરૂ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના માનમાં ગોડસે ગાથાના નામે રાષ્ટ્રપિતાનુ અપમાન થાય તે રીતે ઉશ્કેરણીજનક વાતો કરી તે અંગેનો ફેલાવો કરી શાંતિ ડહોળવાનુ અને સમાજમાં અરાજકતા ફેલાવવાનુ કૃત્ય કર્યુ હોય જેની ફરીયાદ નોંધવા માટે અરજ કરાઇ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ જણાવ્યુ હતુ કે, આ મામલે ઇન્ચાર્જ પોલીસ વડાને રજુઆત કરાઇ છે જેમાં કાલ સુધીમાં ફરીયાદની પણ ખાતરી અપાઇ હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ. (તસવીર જામનગરમાં હિન્દુ સેના દ્વારા યોજાયેલી 'ગોડસેગાથા' છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

'ગોડસેગાથા' ગાનારાઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખે એસપીને આપ્યું આવેદનપત્ર