Gujarat

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ : હેડ ક્લાર્ક પછી જેટકો ભરતી કૌભાંડ, વાડ જ ચીભડા ગળે છે 

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ : હેડ ક્લાર્ક પછી જેટકો ભરતી કૌભાંડ, વાડ જ ચીભડા ગળે છે 

- ગૌણ સેવા મંડળના અસિત વોરા સામેની તપાસનું ફીડલું વાળી દેવાયું, મુદ્રેશ પુરોહિત ગાયબ થઈ ગયો
- જેટકો કૌભાંડના આક્ષેપો બાદ પણ તપાસના નામે ઠંડું પાણી રેડી દેવાયું, સરકારના મંત્રીઓની મનમાની 
- ત્રણ-ત્રણ વર્ષથી જેટકોમાં કૌભાંડ થયાં અને સરકારને તેની ગંધ સુદ્વા આવી નહી, અધિકારીઓની ભેદી ભૂમિકા 

ગાંધીનગર, શુક્રવાર

   રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદ જાણે કે પર્યાય બની ચૂક્યા છે, હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ ૩૩ આરોપીઓની ધરપકડ કરીને બહાદુરી બતાવી છે પણ હજુ તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. મોટા મગરમચ્છ કોણ હતા અને તેમની શું ભૂમિકા હતી તે વિશે પણ હજુ પોલીસે કોઈ જ સ્પષ્ટ તપાસ કરી નથી. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને બચાવી લેવામાં આવ્યા છે તો સૂર્યા ઓફેસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતને પણ બચાવી લેવામાં આવ્યો છે. હેડ ક્લાર્ક બાદ જેટકોમાં છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલી ભરતીમાં મોટી રકમની લેતીદેતી કરીને ઉમેદવારોને પાસ કરીને ગોઠવાયા હોવાના આક્ષેપો કરાયા બાદ હજુ પણ કોઈ જ તપાસ થઈ નથી. રાજ્યના શિક્ષિત ઉમેદવારોને હવે લાગી રહ્યું છે કે, ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ, જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય તો પછી બીજી અપેક્ષા શું રાખવી એ પ્રશ્ન સહજભાવે ઉઠે તે સ્વાભાવિક છે. અગાઉ હેડ ક્લાર્કનું પેપરલીક થયા બાદ ૮૮ હજાર પરિવારોના સપનાં રોળાયા હતા અને હવે જેટકોમાં લાગવગીયા ગોઠવાઈ ગયા છે અને હાલ તેઓ નોકરી પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર મગરના આંસુ સારી રહી છે અને તેના મંત્રીઓ કહે છે કે, અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે અને આક્ષેપોની તપાસ કરવામાં આવશે. બસ, આટલું કહીને મંત્રીઓ છટકી જાય છે તો જેટકોના અધિકારીઓ નફ્ફટાઈથી કહે છે કે, આવું કંઈ જ થયું નથી. ત્રણ-ત્રણ વર્ષથી ભરતીમાં લાગવગીયા ગોઠવાઈ ગયા અને તેની ગંધ સુદ્વા પણ જેટકોના અધિકારીને આવે નહી તે વાતમાં દમ નથી. 

  રાજ્યમાં શિક્ષિત ઉમેદવારો સાથે ક્રૂર મશ્કરી કરવાનો સિલસિલો અવિરત પણે ચાલુ રહ્યો છે અને હવે ઉમેદવારોને ભરતીમાં પણ વિશ્વાસ રહ્યો નથી. ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ મોટા ઉપાડે સરકારે કડક કાર્યવાહી કરાશે તેવા બણગાં ફૂક્યાં હતાં પણ અંતે શું થયું તે આપણી સામે જ છે. મંડળના બેશર્મ ચેરમેન અસિત વોરા સામે માછલા ધોવાયા હતા, અરે વિપક્ષી પાર્ટીઓએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ છતાં ભાજપના નેતા એવા અસિત વોરાને વ્યવસ્થિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અસિત વોરા સામે તપાસ કરવામાં આવે તો મોટા રહસ્યો બહાર આવી શકે તેવું ઉમેદવારો પણ કહેતા હતા પણ તેવું થયું નહી એ ઉમેદવારોની કમનસીબી છે. જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિત સામે પણ કોઈ તપાસ કરવામાં આવી નહી તે મોટું આશ્ચર્ય ઉપજાવે છે.

  બહાદુર પોલીસ તંત્ર પણ કોઈના દબાણને વશ થઈ ગયું અને હવે આ કેસમાં તપાસ ક્યાં ચાલે છે અને શું થઈ રહ્યું છે તેની કોઈને ખબર પડતી નથી. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને હટાવવા માટે આમરણાંત ઉપવાસ થયા, સોશિયલ મીડિયામાં ઉમેદવારોએ કેમ્પેઈન કર્યું પણ સરકારના પેટનું પાણી પણ હાલ્યું નહી અને સરકારના મંત્રીઓ બેશર્મ વોરાનો બચાવ કરતા જાેવા મળ્યા હતા. ભૂતકાળમાં ૯-૯ પરીક્ષાના પેપર ફૂટ્યા હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ મોટો મગરમચ્છ પકડાયો નથી એ કડવું સત્ય છે. અસિત વોરા અને મુદ્રેશ પુરોહિત ઉપર ભાજપના નેતાઓના ચાર-ચાર હાથ હોય પછી કશું જ થતું નથી. લોકો વિરોધ કરે તો કરવા દો પણ સરકાર કૌભાંડીઓને બચાવવા મેદાને પડી છે અને ૮૮ હજાર પરિવારોને ન્યાય મળતો નથી. જેટકોની જુદી જુદી પરીક્ષાઓમા લાગવગીયા ગોઠવાઈ જાય છે અને ૨૦-૨૦ લાખનો વહીવટ કરી દેવામાં આવે છે અને બિચારા હોંશિયાર વિદ્યાર્થીઓ હાથ ઘસતા રહી જાય છે.

  જેટકોની ત્રણ વર્ષની જુદી જુદી ભરતીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમ ઊઠી રહી છે ત્યારે આ સમગ્ર પરીક્ષાઓની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓના પગ નીચે રેલો આવી શકે છે પણ બધા કૂલડીમાં ગોળ ભાગી રહ્યા છે. ગૌણ સેવા મંડળના ચરેમેન અસિત વોરા સામે કેમ કાયદાનો મજબૂત ગાળિયો કસવામાં આવતો નથી તે રહસ્ય ઉપજાવી રહ્યો છે. લાખો શિક્ષિત ઉમેદવારો ન્યાયની આશા રાખી રહ્યા છે પણ ન્યાયની આશા ધૂંધળી બની રહી છે, દરેક પરીક્ષાઓમાં કૌભાંડીઓ કળા કરી જાય છે અને બિચારા જરૂરતમંદો હતા ત્યાંને ત્યાં રહી જાય છે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૈસાની લેતીદેતીના આક્ષેપો નવી વાત નથી પણ ખાટલે મોટી ખોડ એ છે કે, સરકાર તપાસ કરાવતી નથી. સરકાર એટલા માટે તપાસ કરાવતી નથી કે, ક્યાંક તેનો રેલો ભાજપના નેતાઓ અને મંત્રીઓ સુધી પહોંચી શકે તો મોટી મુસીબત સર્જાઈ શકે તેમ છે. અસિત વોરાના કાર્યકાળ દરમિયાન જેટલી પણ પરીક્ષાઓ યોજાઈ છે તે તમામની વિજિલન્સ તપાસ કરવામાં આવે, હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડો ઉજાગર થઈ શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પણ સરકાર એવું ઈચ્છતી નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ : હેડ ક્લાર્ક પછી જેટકો ભરતી કૌભાંડ, વાડ જ ચીભડા ગળે છે