Gujarat

રાજકોટમાં કોરોના બોમ્બ ફૂટયો, 30 નામાંકીત ડૉક્ટરો ચેપગ્રસ્ત : આગામી સપ્તાહથી શહેરમાં દૈનિક 1000 કેસ આવવાની શક્યતા

રાજકોટમાં કોરોના બોમ્બ ફૂટયો, 30 નામાંકીત ડૉક્ટરો ચેપગ્રસ્ત : આગામી સપ્તાહથી શહેરમાં દૈનિક 1000 કેસ આવવાની શક્યતા

- રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો

- 30 તબીબોને કોરોના થતા હોસ્પિટલોને કરવી પડી વૈકલ્પિક વ્યવસ્થા

રાજકોટ, શુક્રવાર

   રાજકોટમાં કોરોનાના કેસો આકાશને આંબવા લાગ્યા છે. રાજકોટના 30 નામાંકીત તબીબોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશભરમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર આગળ વધી રહી છે, ત્યારે તબીબોનું ચેપગ્રસ્ત થવું એક નવી મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.

   રાજકોટમાં કોરોનાગ્રસ્ત થયેલા 30 તબીબોમાંથી કેટલાકના પરિવારજનો પણ ચેપગ્રસ્ત બન્યા છે. હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાનો ભોગ બની રહ્યો છે. જો કે હવે શહેરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી પડકારજનક બની રહી છે. અમુક તબીબો ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. આ તમામ ચેપગ્રસ્ત તબીબો હોમ આઈસોલેટ થયા છે, ત્યારે તેમના ચેપગ્રસ્ત થવાને કારે હોસ્પિટલોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે.

   કોરોનાની બંને લહેરમાં દર્દીઓની સારવાર કરનારા ડોકટરોનું કહેવું છે કે જે રીતે એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 150ની નજીક પહોંચી છે, તેને જોતા લાગે છે કે આગામી સપ્તાહથી રાજકોટમાં દૈનિક 100થી વધારે કેસો મળવા લાગશે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલો અને કાર્યરત તબીબો હાઈએલર્ટ મોડમાં છે. રાજકોટમાં ગત સાંજ સુધીમાં કોરોનાના કુલ 412 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેમાથી 20થી વધુ દર્દીઓ સિવિલ સહીતની શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તેમાથી 8 દર્દીઓની હાલત ગંભીર હોવાનું પણ તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. જો કે મહાનગરપાલિકા 5 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવી રહી છે.

   તબીબો પ્રમાણે, અત્યારે ભલે હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાગ્રસ્તોની સંખ્યા ઓછી લાગી રહી હોય, પરંતુ જે પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે, તેને જોતા કેસના વધારા સાથે હોસ્પિટલલાઈઝ્ડ થનારા દર્દીઓની સંખ્યા વધશે. મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાએ રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં 1,17,100 નવા કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં 4200થી વધુ કેસ નોંધાયા હતા.

   કોરોનાથી બચવાના ઉપાયો પર તબીબો ધ્યાન કેન્દ્રીત કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે, માસ્ક પહેરવું, પુરતું શારીરિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, બિનજરૂરી બહાર નીકળવું નહીં કે ભીડભાડવાળા સ્થાને જવું નહીં. મેળાવડાં કે કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સામેલ થવું નહીં અને સામેલ થવું પડે તો પુરતી તકેદારી રાખવી. કોરોનાને લગતા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવો અને તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી જરૂરી છે.

   આ સિવાય તબીબોએ સંપૂર્ણ રસીકરણ પર ભાર મૂક્યો છે. રસીના બંને ડોઝ ઝડપથી લેવા જરૂરી છે. તેના પછી પણ ઓમિક્રોનથી ચેપગ્રસ્ત થનારા દર્દીઓના કિસ્સા સામે આવી રહ્યા છે. પરંતુ તેમને કોરોનાના હળવા લક્ષણો જોવા મળે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ઓછી આવતી હોય છે. બીપી, હાઈપરટેન્શન, ડાયાબિટિસ સહીતના રોગો ધરાવનારાઓએ કોરોનાના ચેપથી બચવા માટે વિશેષ તકેદારી રાખવી પડશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજકોટમાં કોરોના બોમ્બ ફૂટયો, 30 નામાંકીત ડૉક્ટરો ચેપગ્રસ્ત : આગામી સપ્તાહથી શહેરમાં દૈનિક 1000 કેસ આવવાની શક્યતા