Gujarat

લૂંટો ભાઈ લૂંટો : સીએનજીમાં પણ કેન્દ્ર સરકાર 14 ટકા એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે

લૂંટો ભાઈ લૂંટો : સીએનજીમાં પણ કેન્દ્ર સરકાર 14 ટકા એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે

- પેટ્રોલ-ડીઝલની માફક સીએનજી ગેસમાં પણ એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય સરકાર વેટ ઘટાડે તો ગેસ સસ્તો થઈ શકે 
- છેલ્લા એક વર્ષમાં સીએનજી ગેસમાં રૂા.17નો વધારો ઝીંકાયો : સીએનજી તરફ વળેલા સેંકડો વાહન ચાલકો પરેશાન

ગાંધીનગર, ગુરૂવાર

  પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં લાગેલી આગ બાદ વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે પણ હવે સીએનજી કંપનીઓ પણ પોતાની મનમાની ચલાવી રહી છે અને મનફાવે તેમ ભાવવધારો કરી રહી છે. તાજેતરમાં અદાણીએ પ્રતિ કિલોએ ગેસમાં રૂા.૨.૫૦નો વધારો કર્યો હતો અને એ સાથે ગેસનો પ્રતિ કિલોનો નવો ભાવ રૂા.70એ પહોંચ્યો છે. એક વર્ષ પહેલાં સીએનજી ગેસમાં રૂા.17નો વધારો ઝીંકાયો છે. સીએનજીથી વાહન હંકારતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે અને તાકીદની અસરથી ગેસ કંપનીઓ ઉપર અંકુશ મૂકવા માંગણી કરી છે. સીએનજી ગેસ ઉપર કેન્દ્ર સરકાર 14 ટકા એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલી રહી છે. કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડે અને રાજ્ય સરકાર વેટ ઘટાડે તો સીએનજી ગેસ રૂા.8થી 10 રૂપિયા સસ્તો થઈ શકે છે. જાે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાની આવક જતી કરવાના મૂડમાં નથી અને જેનો ભાર સીએનજી વાહન ચાલકો ઉપર આવી રહ્યો છે. રાજ્ય સરકાર એક તરફ સીએનજી ગેસથી સંચાલિત વાહનોને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે બીજી તરફ વેટ ઘટાડતી નથી જેના કારણે સીએનજીનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. આમને આમ ભાવવધારો થતો રહ્યો તો સીએનજી ગેસનો ભાવ રૂા.100ની નજીક પહોંચી જશે તે નક્કી છે. 

  પેટ્રોલ અને ડીઝલમાં લાગેલી ભાવવધારાની આગ હાલ શાંત પડી છે તો બીજી તરફ હવે સીએનજી ગેસમાં ભાવવધારાની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠી છે. અદાણી ગેસ કંપનીએ તાજેતરમાં રૂા.2.50નો વધારો કર્યો હતો અને તેની સાથે હવે અન્ય કંપનીઓ પણ ભાવવધારો કરશે તે નક્કી છે. લોકો સીએનજી ગેસ તરફ વળ્યા છે ત્યારે સીએનજી કંપનીઓ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહી છે. ગેસ કંપનીઓ ઉપર રાજ્ય સરકારનો કોઈ અંકુશ નથી અને જેના કારણે છાશવારે ભાવ વધારવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેની એક્સાઈઝ ડ્યુટી ઘટાડતી નથી તો રાજ્ય સરકાર તેનો વેટ ઘટાડતી નથી જેના કારણે સીએનજી વાહન ચાલકો પિસાઈ રહ્યા છે. કેન્દ્ર અક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરે તો સીએનજી સસ્તો થઈ શકે તેમ છે. રાજ્યમાં સીએનજીથી ચાલતા ફોર વ્હીલરથી લઈ રિક્ષાચાલકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. કૂદકે-ભૂસકે વધી રહેલા ભાવવધારાના કારણે મધ્યવર્ગીય પરિવારોના બજેટ પણ ખોરવાયા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

લૂંટો ભાઈ લૂંટો : સીએનજીમાં પણ કેન્દ્ર સરકાર 14 ટકા એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે