Weu Special

હાલનું જમ્મુ-કાશ્મીર સરદાર પટેલના દ્રઢ ઈરાદાઓએ બચાવ્યું, પણ નહેરુની દખલગીરીએ 75 વર્ષે પણ વિવાદને રાખ્યો છે જીવતો

- જમ્મુ-કાશ્મીરનો 75 વર્ષે પણ પાકિસ્તાન સાથેનો વિવાદ યથાવત
- જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલિયમાં વિલંબને કારણે જમીન પાકિસ્તાને હડપી
- સરદાર પટેલના દ્રઢઈરાદાઓએ હાલના જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડેલું રાખ્યું
- ભારતીય સેનાની આગેકૂચ છતાં યુનોમાં નહેરુ જમ્મુ-કાશ્મીરનો મામલો લઈ ગયા
- નહેરુની દખલગીરીથી સરદાર વલ્લભભાઈ પટેલ થયા હતા નાખુશ

વીયુ વિશેષ, આનંદ શુક્લ, 42

  સરદાર પટેલે જમ્મુ-કાશ્મીરના વણઉકેલ્યા વિવાદને ભારત માટે લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પેચીદા મામલાને ઉકેલવા માટે સરદારે પોતાની તમામ કુનેહ અને મુત્સદીગીરી દ્રઢતાપૂર્વક લગાવી દીધી હતી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો શ્રીનગર સહીતનો ઘણો મોટોભાગ ભારત બચાવી શક્યું છે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગરની દખલગીરી અને માઉન્ટબેટનની સલાહથી પાકિસ્તાનને ખદેડયા વગર યૂનોમાં જવાની ભૂલનું ભોગ આજે પણ ભારતને બનવું પડે છે. ત્યારે ખરેખર સરદાર સાહેબને યાદ કરીને ભારતની જનતા આજે પણ કાશ્મીર મામલે આવી જ કુનેહ ફરી વખત દેખાડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહી છે.

  દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતથી જિન્નાની જીદે અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામના ટુકડાઓ ધર્મના નામે બંને બાજુના પડખામાંથી કાપી લીધા. જિન્નાની મહત્વકાંક્ષા વિશાળ પાકિસ્તાનની રહી હતી. પરંતુ પંજાબ અને બંગાળના ભાગલા કરીને તૂટેલું-ફૂટેલું પાકિસ્તાન મળવાનો જિન્નાહને ભારે વસવસો હતો. જિન્નાહે 543 રજવાડાઓ પર નજર બગાડવાની શરૂ કરી. તેમાં મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્ય પર તેમની ગીધ દ્રષ્ટિ મંડાઈ. જમ્મુ-કાશ્મીરમાં રાજા હિંદુ હતા અને વસ્તીની બહુમતી મુસ્લિમોની હતી. તત્કાલિન મહારાજા હરિસિંહ પાકિસ્તાન સાથે જવા ઈચ્છતા ન હતા અને મુસ્લિમ બહુમતી હોવાને કારણે રાજકીય સમીકરણો પ્રમાણે ભારત સાથે વિલીનીકરણના સ્થાને સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. પરંતુ પાકિસ્તાન પ્રેરીત હરકતો અને ખુદ પાકિસ્તાની સૈનિકોએ કબાઈલીઓનો વેશપલટો કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. 23 ઓક્ટોબર, 1947ના દિવસે કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર હુમલો કર્યો હતો. ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટિશ સેનાપતિએ બળવો કરીને ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. તો બાલટિસ્તાનમાં પણ પાકિસ્તાને કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. મુઝફ્ફરાબાદમાં તેનાત કાશ્મીરની બટાલિયયના તમામ મુસ્લિમ સૈનિકોએ બળવો કરીને કમાન્ડિંગ ઓફિસર અને પોતાના સાથી સૈનિકોને ઠાર કર્યા હતા. ભયાનક કત્લેઆમ કરતા તેઓ શ્રીનગર પર કબજો જમાવવા આગળ વધી રહ્યા હતા.

   મહારાજા હરિસિંહે પોતાની સેનાઓની પીછેહઠના પરિણામે ભારત સરકારને મદદ માટે પેગામ મોકલ્યો. ભારત સરકારે પોતાના વિશેષ દૂત વી. પી. મેનને શ્રીનગર મોકલ્યા અને મહારાજાને જોડાણપત્ર પર હસ્તાક્ષર કરાવા માટે સમજાવ્યા. જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનના કબજામાં જાય નહીં તેના માટે ભારતના ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલ સૌથી વધારે ચિંતિત હતા. ભારતના રજવાડાઓને એકઠા કરીને આધુનિક ભારતનું નિર્માણ તેમના હસ્તગત આવતી જવાબદારી હતી. 26 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિસિંહ દ્વારા જોડાણખત પર હસ્તાક્ષર કરાયા બાદ તાત્કાલિક ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનીઓને ખદેડવા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તેના માટે સરદાર પટેલે સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે કાશ્મીર બચાવવા માટે જે જરૂર હોય તે કરો. જો કે પંડિત નહેરુનું વલણ થોડું ઢચુંપચું હતું. ત્યારે સરદારે તેમને દ્રઢતાપૂર્વક પુછયું કે તેઓ કાશ્મીર બચાવવા ઈચ્છે છે કે કેમ? નહેરુએ પણ તાત્કાલિક જવાબ આપતા કહ્યુ કે નિશ્ચિતપણે કાશ્મીર ભારત સાથે ઈચ્છે છે. તુરંત સરદારે સૈન્ય અધિકારીઓને કહ્યુ કે તમને આદેશ મળી ગયો છે.

  ભારતીય સેનાના જવાનોએ અપાર સાહસ અને બહાદૂરી સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે પહોંચીને પાકિસ્તાનીઓને ભારતની ધરતી પરથી ખદેડવામાં સફળતા મેળવી. શ્રીનગર બચાવવામાં ભારતીય સેનાને મળેલી સફળતા બાદ અન્ય મોરચાઓ પર પણ પાકિસ્તાનની પીછેહઠ થઈ રહી હતી. તેવા સમયે ડિસેમ્બર-1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પંચ દિલ્હી અને કરાચીના પ્રવાસે આવ્યું હતું. લોકમત સંગ્ર માટે અમુક ઠરાવો રજૂ કર્યા. પાકિસ્તાન તેને સ્વીકારવા માટે ટાંપીને જ બેઠું હતું. ભારતીય લશ્કર પાકિસ્તાનીઓને ખદેડી મૂકે તે પહેલા જ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરી નાખી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજા હેઠળ છે. જાણકારોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પંડિત નહેરુએ હસ્તક્ષેપ કર્યો ન હોત અને સરદાર પટેલને કાર્યવાહી કરવા દીધી હોત.. તો હૈદરાબાદની જેમ જ જમ્મુ-કાશ્મીરનો મામલો પણ કાયમ માટે ઉકેલી શકાત

  ભારતના પ્રથમ વડાપ્રધાનની વરણીના પચ્ચીસ વર્ષ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારીએ પંડિત જવાહરલાલ નહેરુની ભૂલોનો સીધો ઉલ્લેખ ટાળતા લખ્યું હતુ કે નિશંકપણે સારું હોત, જો નહેરુને વિદેશ પ્રધાન અને સરદાર પટલને વડાપ્રધાન બનાવવામાં આવત. જો પટેલ થોડા દિવસ વધુ જીવિત રહેત તો તેઓ પ્રધાનમંત્રી પદે જરૂરથી પહોંચત અને તેના માટે કદાચ તેઓ યોગ્ય પાત્ર હતા. ત્યારે ભારતમાં કાશ્મીર, તિબેટ, ચીન અને અન્ય વિવાદોની કોઈ સમસ્યા રહેત નહીં. સરદાર સાહેબે પણ એચ. વી. કામતને જમ્મુ-કાશ્મીરનો મામલો ગૃહ વિભાગના સ્થાને વિદેશ વિભાગ હસ્તગત કરવાના મામલે પોતાની નાખુશી વ્યક્ત કરી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

હાલનું જમ્મુ-કાશ્મીર સરદાર પટેલના દ્રઢ ઈરાદાઓએ બચાવ્યું, પણ નહેરુની દખલગીરીએ 75 વર્ષે પણ વિવાદને રાખ્યો છે જીવતો