Gujarat

અશ્વિન કોટવાલ ભાજપમાં જાેડાયા બાદ સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરૂ, રમીલાબેન બારા ખફા 

અશ્વિન કોટવાલ ભાજપમાં જાેડાયા બાદ સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરૂ, રમીલાબેન બારા ખફા 

- ભાજપના પાયાના કાર્યકરોની સતત અવગણના વચ્ચે પક્ષપલટુ કોટવાલ માટે લાલજાજમ પથરાઈ 
- આગામી સમયમાં ભાજપમાં નવા રાજકીય સમીકરણો આકાર પામે તેવી સ્થિતિ સર્જાય તેવા એંધાણ

 

ગાંધીનગર,શુક્રવાર 

   વિધાનસભાના ચૂંટણીના વર્ષમાં ભાજપમાં મોટા ઉપાડે ભરતી મેળા શરૂ થઈ ચૂક્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની હાલત કફોડી બની રહી છે તેમ છતાં પણ હજુ કોંગ્રેસી ધારાસભ્યો સત્તાલાલસાને રોકી શક્તા નથી અને કેસરિયા રંગે રંગાય રહ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે અક્ષય તૃતીયાના દિવસે ગાંધીનગર કોબા સ્થિત કમલમમાં હાજર રહીને ભાજપમાં જાેડાયા છે. અશ્વિન કોટવાલ છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા અને બજેટ સત્રમાં પણ તેમની ગેર હાજરી ઊડીને આંખે વળગી હતી. સમ ખાવા પૂરતા એક દિવસ તેઓ ગૃહમાં હાજર રહ્યા હતા.

    આદિવાસી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોટવાલના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે તે નક્કી છે. જાે કે, કોંગ્રેસ તરફથી કોટવાલને રોકવાના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી કેમ કે, અગાઉથી નક્કી હતું કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જાેડાવવાના છે. કોટવાલ ભાજપમાં આવતાં સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરુ જાેવા મળી રહ્યો છે. રમીલાબેન બારા ઉગાઉ પણ કોટવાલમાં જાહેરમાં વિરોધ કરતા હતા પણ તેમનું કંઈ ચાલ્યું નથી અને કોટવાલને પોંખવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં સાબરકાંઠા ભાજપમાં નવા સમીકરણો આકાર પામી શકે છે. 

   કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ રહી છે તો ભાજપ આદિવાસી મત બેન્ક કબજે કરવા માટે કોગ્રેસના મજબૂત ધારાસભ્યો ઉપર નજર દોડાવી રહી છે. અરવલ્લીના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જાેષીયારાના નિધન થયા બાદ ભાજપે આ બેઠક કબજે કરવા માટે કમર કસી છે અને જાેષીયારાના પુત્રને ટિકીટ આપવાની દિશામાં પણ ગતિવિધિઓ તેજ કરી છે. જાે કે, કોંગ્રેસ અહીંયા મજબૂત છે અને જાેષીયારાના પૂત્રને ટિકીટ આપીને બેઠક જાળવી રાખવા કટિબદ્વ છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક આદિવાસી વિસ્તારમાં આવે છે અને અહીંયા કોંગ્રેસનું પ્રભુત્વ છે. સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાઈ ગયા છે જેના કારણે કોંગ્રેસને અહીંયા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જાે કે, કોટવાલ ભાજપમાં આવતાં તેમનો વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે અને રમીલાબેન બારા સખ્ત વિરોધ કરી રહ્યા છે. કોટવાલ માટે ભાજપે લાલજાજમ પાથરતાં પાયાના કાર્યકરો હચમચી ગયા છે પણ કોઈ કશું બોલી શક્વાની સ્થિતિમાં નથી અને મૂંગા મોંઢે કાર્યકરો ભરતી મેળાના તમાશા જાેઈ રહ્યા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

અશ્વિન કોટવાલ ભાજપમાં જાેડાયા બાદ સાબરકાંઠા ભાજપમાં ઉકળતો ચરૂ, રમીલાબેન બારા ખફા