
- બપોરના 2:45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થશે
- અરવિંદ કેજરીવાલ વિવિધ ક્ષેત્રના આગેવાનો પક્ષના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે
રાજકોટ,બુધવાર
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત બપોરના 2:45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થશે. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ સતા આરુઢ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનો સતત કમર કસી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.

કેજરીવાલ એરપોર્ટથી હોટલ ધ ઈમ્પીરિયલ પહોંચશે. હોટલ ઇમ્પીરિયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે. વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ પક્ષના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. કેજરીવાલ સાંજના 7 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતી કાલે વહેલી સવારે કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શાસ્ત્રીમેદાનમાં જાહેર સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિનના દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.


