Weu Special

આઝાદી વખતે હિંદુ મહારાજા અને પ્રજાવાળી બિકાનેરની રિયાસતનો ઝુકાવ પણ પાકિસ્તાન તરફી હતો, જાણો કેવી રીતે તેનું ભારતમાં થયું વિલિનીકરણ ?

આઝાદી વખતે હિંદુ મહારાજા અને પ્રજાવાળી બિકાનેરની રિયાસતનો ઝુકાવ પણ પાકિસ્તાન તરફી હતો, જાણો કેવી રીતે તેનું ભારતમાં થયું વિલિનીકરણ ?

- બિકાનેરના ભારતમાં વિલય પહેલા મહારાજાનો ઝુકાવો હતો પાકિસ્તાન તરફી

- ફિરોઝપુર વોટર હેડ વર્ક્સ મામલે મહારાજાએ કરી હતી મોટી રજૂઆત

- બિકાનેર રાજ્યની 200 માઈલની સરહદ સ્પર્શતી હતી પાકિસ્તાનને

- બહાવલપુરના રજવાડા સાથે બિકાનેરની વ્યાપારીક સંધિની હતી ચર્ચા

વીયુ વિશેષ, આનંદ શુક્લ, 44

  બિકાનેરનું રજવાડું બંધારણીય સભામાં પોતાના પ્રતિનિધિને મોકલવાથી લઈને ભારતીય સંઘમાં વિલયની ઘોષણાના મામલામાં દેશના સમસ્ત દેશી રજવાડાઓમાં અગ્રણી રહ્યું હતું. પરંતુ બિકાનેરના તત્કાલિન મહારાજા સાદૂલસિંહ સ્વતંત્ર ભારતમાં પોતાના અધિકારોને લઈને અત્યંત સતર્ક હતા.

ફિરોઝપુર વોટર હેડ વર્ક્સનો મામલો-
  બ્રિટિશર સરકારની ઘોષણા પ્રમાણે, ભારત- પાકિસ્તાનમાં સમ્મલિત થનારા વિસ્તારોનો નિર્ણય હિંદુ અથવા મુસ્લિમ બહુલ વસ્તીના આધારે થવાનો હતો. આ આધાર પર પાકિસ્તાને પંજાબના ફિરોઝપુર ખાતેના વોટર હેડ વર્ક્સ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ નહેર દ્વારા તત્કાલિન બિકાનેર રિયાસતના એક હજાર વર્ગ માઈલના વિસ્તારમાં સિંચાઈ થતી હતી. મહારાજા સાદૂલસિંહે પ્રધાનમંત્રી કે. એમ. પન્નિકર, જસ્ટિસ ટેકચંદ બક્ષી અને મુખ્ય ઈજનેર કંવરસેનને બિકાનેર રાજ્યનો પક્ષ રજૂ કરવા માટે નિયુક્ત કર્યા હતા. પન્નીકરે રિયાસતી વિભાગના મંત્રી અને વિભાજન માટે બનેલી ઉચ્ચસ્તરીય પરિષદના સદસ્ય સરદાર પટલે પર દબાણ ઉભું કર્યું કે તેઓ સુનિશ્ચિત કરી લે કે ફિરોઝપુર વર્ક્સ સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા નિયંત્રિત રહેશે. મહારાજા સાદૂલસિંહે માઉન્ટબેટન અને પટેલને સંદેશો મોકલ્યો હતો કે જો ફિરોઝપુર હેડ વર્ક્સ અને ગંગનહરનો એક ભાગ પાકિસ્તાનમાં જશે, તો તેમના માટે પાકિસ્તાનમાં ભળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. 17 ઓગસ્ટ, 1947ના રોજ રેડક્લિફે ફિરોઝપુર હેડ વર્ક્સના ભારતમાં રહેવાનો નિર્ણય આપ્યો હતો.

બિકાનેરના મહારાજાનો ઝુકાવ પણ પહેલા હતો પાકિસ્તાન તરફી-
  જો કે તત્કાલિન ભારતમાં જે પણ કોઈ પરિસ્થિતિ હતી, તેના પ્રમાણે બિકાનેરના મહારાજાનો ઝુકાવ પાકિસ્તાન તરફ પણ જોવા મળ્યો હતો. બિકાનેરના અધિકારીઓ અને બહાવલપુર રાજ્યના પ્રધાનમંત્રી નવાબ મુશ્તાક અહમદ ગુરમાનીની વચ્ચે ભારત સરકારના સૈન્ય અધઇકારી મેજર શોર્ટની અધ્યક્ષતામાં બિકાનેરમાં એક બેઠક યોજવામાં આવી હતી. 7 નવેમ્બર, 1947ના રોજ મેજર શાર્ટની મધ્યસ્થતામાં બંને રિયાસતો વચ્ચે શરણાર્થીઓ અને સીમા સંબંધિત વિવાદો પર ચર્ચા થઈ અને એક સમજૂતી પણ થઈ હતી. તે દિવસે જ સાંજે ટ્રેનથી મેજર શોર્ટ દિલ્હી ચાલ્યો ગયો અને ગુરમાનીનું પણ સરકારી રેકોર્ડમાં બહાવલપુર જવાનું નોંધવામાં આવ્યું હતું. પરંતુ મહારાજાએ ગુરમાનીને ગુપ્ત મંત્રણા માટે લાલગઢમાં જ રોકી લીધો હતો. ત્રણ દિવસ સુધી બહાવલપુર રાજ્યનો પ્રધાનમંત્રી લાલગઢમાં જ રોકાયો હતો. તે વખતે રાજમહેલનો સમગ્ર સ્ટાફ મુસ્લિમ જ રહ્યો હતો. અપવાદરૂપ કેટલાક હિંદુ કર્મચારીઓને જ મહેલમાં પ્રવેશ અપાયો હતો. તેમા રાજ્યના જનસંપર્ક અધિકારી બૃજરાહકુમાર ભટનાગર પણ હતા. તેઓ મહારાજાના અત્યંત વિશ્વાસપાત્ર હોવાની સાથે ઉર્દૂના સારા જાણકાર હોવાથી તેમને પ્રવેશ અપાયો હતો. 10 નવેમ્બર સુધી સાદૂલસિંહ અને ગુરમાની વચ્ચે ગુપ્ત મંત્રણાઓ ચાલી રહી હતી. તે વખતે સાદૂલસિંહનો ઝુકાવ પાકિસ્તાન તરફ થઈ ગયો હતો. એ નિર્ણય લેવામાં આવ્યો કે પ્રાયોગિક સ્તરે છ માસ માટે બિકાનેર અને બહાવલપુરની રિયાસતો વચ્ચે એક વ્યાપારીક કરાર કરવામાં આવે. કરાર લેખિતમાં થયો અને બંને તરફથી હસ્તાક્ષર કરીને એકબીજાને સોંપવામાં આવ્યા હતા. ભટનાગરે આ વાત બિકાનેરમાં હિંદુસ્તાન ટાઈમ્સના પત્રકાર દાઉલાલ આચાર્યને જણાવી દીધી હતી. આ અહેવાલ 17 નવેમ્બર, 1947ના રોજ હિંદુસ્તાન ટાઈમ્સના દિલ્હી સંસ્કરણ અને 18 નવેમ્બરે ટપાલ સંસ્કરણમાં પ્રકાશિત થયો હતો. તેના કારણે દિલ્હી અને બિકાનેરમાં હડકંપની સ્થિતિ સર્જાય હતી. બિકાનેરના પ્રજાપરિષદના નેતાઓએ આ સંધિનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો અને દિલ્હી જઈને ભારત સરકારને આવેદનપત્ર આપવાની પણ ઘોષણા કરી હતી. આ સંરક્ષણ સંબંધિત મામલો હતો અને સંઘીય સરકારને આધિન હતો. માટે સરદાર પટેલે તાત્કાલિક એક સૈન્ય સંપર્ક અધઇકારીને બિકાનેર અને બહાવલપુરની બોર્ડર પર નિયુક્ત કર્યો અને બિકાનેરના મહારાજાને લખ્યું કે તેઓ આ અધિકારીની સાથે પુરો સહયોગ કરે.

  બિકાનેરના ગૃહ મંત્રાલય દ્વારા અખબારના પત્રકારને સમાચારનો સ્ત્રોત જણાવવા માટે તાકીદ કરવામાં આવી. તે દિવસોમાં બિકાનેર સચિવાલય તરફથી રાયસિંહનગરના પ્રબંધ અધિકારીને એક તાર મોકલવામાં આવ્યો હતો. આ તારમાં  રાયસિંહનગરના પ્રબંધ અધિકારીને સૂચિત કરાયો હતો કે બહાવલપુર રિયાસત સાથે આપણો વેપાર યથાવત ચાલી રહ્યો છે. રાયસિંહનગરના રેવન્યૂ વિભાગના ભૂતપૂર્વ કર્મચારી મેઘરાજ પારીકે આ તાર પ્રબંધ કાર્યાલયમાંથી લઈને દાઉલાલ આચાર્યને સોંપ્યો હતો. આ તારના પ્રકાશમાં આવ્યા બાદ જ બિકાનેર રિયાસતનું ગૃહ મંત્રાલય શાંત થઈને બેસી ગયું હતું.

  જો કે બિકાનેરના મહારાજાએ હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત સમાચારોનો વિરોધ કરતા ભારત સરકારને લખ્યું હતું કે બિકાનેર પ્રજા પરિષદ અને બિકાનેર રાજ્યના સંબંધ ઠીક નથી. માટે પ્રજા પરિષદના એક કાર્યકર્તાએ કે જે હિંદુસ્તાન ટાઈમ્સના પત્રકાર પણ છે, આ અહેવાલને પ્રકાશિત કરાવ્યો છે. જેથી બિકાનેર રાજ્ય પર દબાણ બનાવીને સરકાર દ્વારા તેને સંપાદીત કરી લેવામાં આવે. શું પ્રજા પરિષદ બિકાનેર રાજ્યને જૂનાગઢ તથા હૈદરાબાદ સમકક્ષ રાખવા માંગે છે? બિકાનેરના મહારાજાએ સરદાર પટેલને અનુરોધ કર્યો હતો કે તેઓ આના સંદર્ભે દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ કારય્વાહીમાં મદદ કરે અને એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ આરોપને રદિયો આપે.

  આના સંદર્ભે રિયાસતી વિભાગે એક નિવેદન જાહે કર્યું કે કેટલાક અખબારોમાં આના સંદર્ભે સમાચાર પ્રકાશિત કરાયા છે કે બિકાનેર, પાકિસ્તાન અને બહાવલપુરની વચ્ચે એક વ્યાપારીક કરાક થયા છે. આ વિશ્વાસપૂર્વક કહી શકાય છે કે આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આવી કોઈ સમજૂતી થઈ નથી. બહાવલપુરના મુખ્યમંત્રી સીમાની બંને તરફ રહેતા શરણાર્થીઓમાં ભય ફેલાતો રોકવા માટેની કોશિશો માટે મૈત્રી યાત્રા પર આવ્યા હતા. બિકાનેરના અંતિમ મહારાજા સાદૂલસિંહે વચગાળાની સરકાર બનાવીને આંશિકપણે સત્તા જનતાને સોંપી હતી. પરંતુ રિયાસતને અલગ એખ રાખવા માટે જે કોશિશો કરી અને સંધિઓ કરી, તેની માહિતી દાઉલાલ આચાર્ય અને મૂલચંદ પારીકે યથાસમયે ઉચ્ચસ્થ વિભાગોને પહોંચાડીને દેશભક્તિનું ઉદાહરણ પુરું પાડયું હતું. તેના કારણે બિકાનેર રિયાસત ભારતમાં જોડાઈ હતી.

બિકાનેર રિયાસતને સ્વતંત્ર ભારતમાં અલગ એકમ બનાવી રાખવાની કોશિશ-
  15 જુલાઈ, 1947ના રોજ9 મહારાજા સાદૂલસિંહે પંડિત જવાહરલાલ નહેરુને 110 પેરેગ્રાફનો પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે પ્રજા પરિષદવાળા રાજ્યમાં એવો પ્રચાર કરી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં સમગ્ર ભારતમાં ગાંધી રાજ થઈ જશે અને ભારતીય રાજ્ય પણ તેમા મળી જશે. તિરંગો જ એકમાત્ર ધ્વજ હશે. જ્યારે વાસ્તિવકતા એ છે કે ન તો ગાંધીજીના આવા વિચારો છે અને ન તો ભારતીય રાજ્ય ભારતમાં પોતાના અસ્તિત્વને સમ્મલિત કરવા જઈ રહ્યા છે. આ પત્રથી એ આભાસ થઈ રહ્યો છે કે બિકાનેરના મહારાજા ભલે જોરશોરથી ભારતીય સંઘમાં ભળવાની ઘોષણા કરતા હતા. પરંતુ તેઓ આશ્વાસન પણ ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતમાં તેમના રાજ્યની સ્વતંત્રતા સંપૂર્ણપણે બનેલી રહેશે.

બિકાનેર રાજ્યનું ભારતમાં વિલિનીકરણ-
  6 ઓગસ્ટ, 1947ના રોજ સાદૂલસિંહએ વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટ પર રાજ્યના પ્રધાનમંત્રી કે. એમ. પન્નિકરણે હસ્તાક્ષર કર્યા હતા. 15 ઓગસ્ટ, 1947ના એક ભાષણમાં મહારાજા સાદૂલસિંહે હ્યુ હતુ કે બ્રિટિશ સત્તાની સમાપ્તિ સાથે ભારતીય રિયાસતોને એ છૂટ હતી કે તેઓ અલગ રહે અને નવા રાષ્ટ્ર સાથે સંબંધિત થવા માટેનો ઈન્કાર કરી દે. કાયદાકીય દ્રષ્ટિએ આજે અમે સંપૂર્ણ સ્વતંત્ર થઈ શકીએ છીએ, કારણ કે અમે બ્રિટિશ સામ્રાજ્યને જે આધિપત્યનો અધિકાર સોંપ્યો હતો, તે ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ અમને પાછો મળ્યો છે. અમે અલગ રહી શકતા હતા અને ભારતીય રાષ્ટ્રમાં વિલય કરત નહીં. એક ક્ષણના વિચારથી જ એ સ્પષ્ટ થઈ જશે કે આનું પરિણામ કેટલું વિનાશકારી હોત. શરૂઆતથી જ મારા મગજમાં આ વાત આવી ગઈ હતી કે આનાથી ભારત નાના-નાના ટુકડામાં વહેંચાઈ જશે. આના પરિણામોના પૂર્વાભાસ સાથે મે કોઈપણ ખચકાટ વગર ભારતના એ તત્વો સાથે સહયોગ કરવાનો નિશ્ચય કર્યો કે જે એક મજબૂત કેન્દ્રીય સરકારની સ્થાપના માટે કાર્ય કરી રહ્યા હતા.

બિકાનેરના મહારાજા સાદૂલસિંહની પ્રશંસા-
  સરદાર પટેલે દેશી રાજ્યોના ભારતમાં વિલય બાદ મહારાજા સાદૂલસિંહને ધન્યવાદ આપતા લખ્યુ હતુ કે રાજાઓને ગેરમાર્ગે લઈ જવા માટે જાણીજોઈને જે શંકા અને ભ્રમ પેદા કરવામાં આવ્યા તેને મિટાવવામાં મહારાજાએ જે કષ્ટ કર્યું, તેનાથી હું સારી રીતે પરિચિત છું. મહારાજાનું નેતૃત્વ નિશ્ચિતપણે સમયાનુકૂળ અને પ્રભાવશાળી રહ્યું છે. સ્વતંત્રતા પ્રાપ્તિના કેટલાક માસ બાદ જાન્યુઆરી-1948માં માઉન્ટબેટને બિકાનેરની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના ભાષણમાં મહારાજા સાદૂલસિંહની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે મહારાજા પ્રથમ શાસક હતા કે જેમણે ભારતના નવા બંધારણને બનાવવામાં મદદ કરવા માટે બંધારણ નિર્માણ સભામાં પ્રતિનિધિ મોકલીને અનુભવ કરી લીધો કે ભવિષ્યમાં રાજાઓએ શું કરવું છે. મહારાજા પહેલા શાસક હતા કે જેમણે રિયાસતોને પોતાની પાસેના સંઘમાં સમ્મલિત થવાના મારા પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. 2 સપ્ટેમ્બર, 1954ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે બિકાનેરના મહારાજા સાદૂલસિંહની મૂર્તિનું અનાવરણ કરતા તેમના યોગદાનની પ્રશંસા કરી હતી કે જ્યારે એક તરફ ભારતમાં વિભાજનની વિપત્તિ આવી રહી હતી અને બીજી થપ ભારતવર્ષના ટુકડા કરવા માટે દ્વારા ખોલવામાં આવી રહ્યા હતા, તેમણે જવામર્દી, દેશપ્રેમ અને દૂરંદેશીપણાથી ખુદને ઉભા કરીને એ દરવાજાનું મોંઢુ બંધ કર્યું હતું.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

આઝાદી વખતે હિંદુ મહારાજા અને પ્રજાવાળી બિકાનેરની રિયાસતનો ઝુકાવ પણ પાકિસ્તાન તરફી હતો, જાણો કેવી રીતે તેનું ભારતમાં થયું વિલિનીકરણ ?