- પ્લાસ્ટિક એકઠું કરીને લાવનાર નાગરિકોને અપાય છે આકર્ષક ગિફ્ટ: ખાસ મેસ્કોટ દ્વારા જન જાગૃતિ અભિયાન
- છેલ્લા 5 મહિનામાં ગર્જના ઉત્સવ થકી ગાંધીનગરના નાગરિકોએ ૩ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલ માટે આપ્યું
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમવાર પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે એક નવતર અભિગમ અપનાવીને ખાસ મેસ્કોટ જાહેર કર્યા છે. ‘ગાંધીનગર રિસાયકલ જનઆંદોલન – ગર્જના’ ઉત્સવ અંતર્ગત પ્લાસ્ટિકાસુર અને ટોડો મેસ્કોટ દ્વારા લોકોમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે. રાજ્ય, શહેર અને ગામની સફાઇ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા સ્વચ્છતાના આહ્વાનને દેશના નાગરિકોએ જન આંદોલન બનાવીને ‘સ્વચ્છતા હી સેવા’ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. ગાંધીનગર શહેરના લોકોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પોતે આગળ આવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા માટે ચલાવવામાં આવેલા ગર્જના ઉત્સવમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર શહેરના નાગરિકો ઉપરાંત શાળા કોલેજો અને સ્વૈચ્છિક સંગઠનો આ કાર્યમાં જોડાયા છે. ગાંધીનગર શહેરના ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ જેવા સિનિયર સિટીઝનના સંગઠને પ્લાસ્ટિકમુક્તિ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આ આંદોલનમાં પોતાનો સહયોગ આપીને 300 થી 400 કિલો જેટલું પ્લાસ્ટિક રિસાયકલ માટે આપ્યું હતું.