
- વેપારી ધંધા માટે અવાર નવાર પૈસાની માંગણી કરતો
- કલોલ શહેર પોલીસ મથકમાં વેપારી સામે ફરિયાદ દાખલ થઈ
કલોલ, શુક્રવાર
કલોલમાં રહેતા એક જમીનના દલાલ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે જ્યાં એક કાપડના વેપારીએ ધંધામાં ભાગીદાર બનાવવાનું કહીને તેમ જ 33 લાખની છેતરપિંડી આચરી હતી. જે મામલે દલાલે વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર કલોલના અલસમદ સોસાયટીમાં રહેતા સમીર વિકટરભાઇ મેકવાન જમીન લે વેચની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી આઠ માસ પહેલા સોસાયટીના ગેટની બહાર રહેતા તોસીફ હનીફભાઇ મેમણ તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે કાપડના ધંધા માટે પૈસાની જરૂર છે. તમે મને પૈસા આપો. જો કે સમીરભાઈ પાસે તે સમયે પૈસા ન હોવાથી તેમને પૈસા આપ્યા ન હતા, જે બાદ તોસીફ હનીફભાઇ મેમણ સાથે વધુ ઓળખાણ થતાં તેઓએ પૈસાની માંગણી કરી હતી. તા ૦૮/૦૨/૨૦૨૩એ તોસીફ તેના પિતા સાથે સમીરના ઘરે આવ્યા હતા અને તેના પિતાએ દીકરાને પૈસા આપવાનું કહેતા ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની પાસે પૈસા નથી પરંતુ તેઓ તેમના ગાંધીનગર ખાતે રહેતા ઓળખીતા પાસેથી પૈસા અપાવી શકે છે. તોસીફ તથા તેના પિતાને લઇને સેકટર - ૭ ગાંધીનગર ખાતે રહેતા સલીમ મીરના ઘરે ગયા હતા. તોસીફે કલોલ ખાતે આવેલ મકાનનો પ્લોટ વેચાણ આપવાની વાત કરી દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી રૂ. 25 લાખ સલીમભાઈ પાસેથી લીધા હતા. જેની અવેજીમાં પ્લોટનો દસ્તાવેજ તેમજ 25 લાખનો ચેક પણ તેણે આપ્યો હતો. થોડા દીવસો પછી તોસીફને ફોન કરતાં તેને કહ્યું હતું કે હુ સલીમભાઇના પૈસા પરત કરીને મારો દસ્તાવેજ પાછો લેવાનો છુ. મારે કોઇ પ્લોટ વેચવાની જરૂર નથી. ત્યાર બાદ તોસીફે સલીમભાઇના દીકરા સમદને 2,૦૦,૦૦૦ રૂપિયા અલગ અલગ રીતે આપ્યા હતા જે બાદ કોઈ પૈસા આપ્યા ન હતા. જે બાદ લાંબા સમય સુધી તેણે પૈસા આપવાની કઈ વાત ન કરતાં અને ખોટી ખોટી ધમકીઓ આપતા અંતે સમીરભાઈ સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડતાં તેમણે કલોલ શહેર પોલીસ મથકમાં તોસીફ સામે ફરિયાદ નોંધાવી છે.
