- ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી
- સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં ઇશ્યૂ ન થતા પેન્ડિંગ રહેવા અંગે તપાસના આદેશ
ગાંધીનગર, સોમવાર
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજન યોજના માટે નિયત કરેલો અનાજનો જથ્થો સમયસર નહી આપવાની સ્થિતિ ચાલુ શૈક્ષણિક વર્ષથી ચાલી રહી હોવાનો આક્ષેપ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ કર્યો છે. ત્યારે ચાલુ માસનો પણ અનાજ, દાળ, તેલ સહિતનો જથ્થો ફાળવવામાં આવ્યો નહી હોવાની માંગણી સાથે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી છે. તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનેક જિલ્લામાં સ્ટોક ફાળવવા અંગે ચકાસણી કરતા તાલુકાના ગોડાઉનમાં સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં ફાળવવામાં આવ્યો નહી. આથી તાલુકાના ગોડાઉનમાંથી અનાજનો સ્ટોક ઇશ્યુ કેમ કરવામાં આવ્યો નથી તે અંગેની મામલતદાર દ્વારા તપાસ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.