District

દહેગામમાં પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

દહેગામમાં પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

- પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું

- દહેગામ પોલીસે મહિલા તબીબ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

દહેગામ, સોમવાર

  દહેગામમાં રહેતા એક મહિલાએ પોલીસ મથકમાં કરેલી અરજીને પગલે તેમને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે આ મહિલાએ નિવેદન નોંધાવતી વખતે રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હોવાથી પોલીસ દ્વારા તેમને રેકોર્ડિંગ ન કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. પરંતુ મહિલા ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો. જેથી આ મામલે પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

  દહેગામમાં રહેતા એક 44 વર્ષના  મહિલા તબીબ દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા મહિલાને તેમનો નિવેદન લખાવવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. પોતાની માતા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતાનું નિવેદન લખાવી રહ્યા હતા. આ સમયે નિવેદન લખી રહેલા પોલીસ કર્મચારીની નજર તેમના મોબાઈલ ઉપર પડી હતી. જેમાં ભાઈ લખેલા વ્યક્તિનો ફોન ચાલુ હોવાનું અને કોલ રેકોર્ડિંગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા પોલીસ કર્મચારી દ્વારા તેમને રેકોર્ડિંગ ન કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. આ સમયે મહિલાએ અન્ય એક અરજી આપીને તે મુજબ નિવેદન નોંધવાનું કહેતા પોલીસે તમારે જે લખાવવું હોય તે લખાવી અને સહી કરી આપવા જણાવ્યું હતું. જેથી આ મહિલાએ ઉશ્કેરાઈ જઈને પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો. મહિલાના હોબાળા બાદ પોલીસ અધિકારીએ તેમને બોલાવ્યા હતા અને તેમની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પણ મહિલાએ કોલ રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું અને પોલીસ સાથે ભર્યું વર્તન કરી બુમાબુમ કરી હતી. મહિલાને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તે ન માનતા અંતે આ મામલે તેમના વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

દહેગામમાં પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ