- જાતિવાચક અપશબ્દો બોલી ઝઘડો કરતા ૪ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી
- પેથાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
પેથાપુર,સોમવાર
પેથાપુરમાં તું મારી સામે કતરાઈને કેમ જોઈ રહ્યો છે ? તેમ કહીને યુવકો વચ્ચે થયેલી તકરાર બાદ ચાર ઈસમો દ્વારા દાંતી વડે હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. હાલમાં ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે. આ મામલે પેથાપુર પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પેથાપુરમાં લીંબડીયા તરીકે ઓળખાતા ઓટલા પાસેથી જીગર નરેશજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા, તે સમયે ત્યાં ઉભેલો રોહિત રાઠોડ તેમની સામે કાતરીયા ખાતો હોવાથી જીગરભાઈએ તેને સામે જોવા બાબતે ઠપકો કરતા રોહિત ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન ઝઘડો ન થાય તે માટે જીગરભાઈ ત્યાંથી ઘરે જતા રહ્યા હતા. જોકે, આ સમયે રોહિત રાઠોડ તેના મિત્ર રહીમ ખોખર અને વિશાલ નગીનભાઈ દંતાણી જીગરભાઈના ઘર પાસે ગયા હતા. જીગરભાઈ ગેસના ગોડાઉનની સામે આવતા રોહિત રાઠોડે મારી સામે ત્રાસી નજરે હવે જોઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને અપશબ્દો બોલી તેના હાથમાંની લાકડીથી જીગરભાઈને બરડામાં માર માર્યો હતો. આ સમયે રહીમ ખોખરે તેના હાથમાંની છરી વડે જીગરભાઈના ડાબા હાથના ખભાના ભાગે ઘા કર્યો હતો. જ્યારે વિશાલ દંતાણીએ ગડદાપાટુનો મારમારી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વિશાલનો ભાઈ મનીષ દંતાણી પણ ત્યાં આવ્યો હતો અને જીગરભાઈને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન જીગરભાઈ નીચે પડી જતા આ તમામ ઈસમોએ તેમને મારમારી માથાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન ગામના હિતેશભાઈ ઠાકોર અને તેમના ભાઈ ચંદુભાઈ ઠાકોર તથા ચંદુજી કાળુજી ઠાકોર તેમજ સુરેશ રામાજી ઠાકોર ત્યાં આવ્યા હતા અને જીગરભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઇજાગ્રસ્ત જીગરભાઈને ખાનગી વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે જીગરભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે રોહિત મહેન્દ્રભાઈ રાઠોડ, રહીમ ખોખર, વિશાલ નગીનભાઈ દંતાણી તથા મનીષ નગીનભાઈ દંતાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.