
- ઇન્દોર ખાતે રમાયેલી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 3-1થી જીતી ગોલ્ડ મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું
- જોર્ડન ખાતે રમાનારી ઓપન પેરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
- ભાવિકાને જન્મથી જ કરોડરજ્જુની તકલીફ છે
સુરત, રવિવાર
કહેવત છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા, સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે, તેનું મનોબળ ભાંગ્યું નહતું અને તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યાં છે. હવે તે જોર્ડન ખાતે રમાનારી ઓપન પેરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. જે 19 મેના રોજ યોજાશે. આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વના ખેલાડીઓ ભાગ લેશે.

ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શકતાં નહતાં. કરોડરજ્જુમાં તકલીફ થવાના કારણે દિવ્યાંગ ભાવિકા 5 વર્ષની વયે પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. તેઓ 8 વર્ષની વયે માંડમાંડ થોડું ચાલીને પોતાના આત્મબળે પોતે ઊભા રહેવા લાગ્યાં હતાં. ત્યારબાદ વોકરથી તેઓ ચાલતાં હતાં. માતાપિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરોબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. ભાવિકા કુકડિયા ધોરણ 10 સુધી ભણ્યા પછી ટેલિફોન ઓપરેટર તરીકે કામ કરવા લાગી.તે વિચારતી રહી કે ભગવાને મારી પાસેથી કંઈક લીધું છે, પણ બદલામાં કંઈક આપ્યું હશે. મારે તેને શોધવું પડશે અને પછીથી 2 વર્ષ પહેલાં ફિઝિકલ ચેલેન્જ ગેમ્સ જોયા પછી ટેબલ ટેનિસ પસંદ કર્યું. આ માટે તેણે કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી છોડી દીધી. જો કે, ભાવિકા સુરત અને સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ અપંગ ખેલાડી છે જેણે રાષ્ટ્રીય સ્તરે તેની શ્રેણી 6 જીતી છે. તેણે ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.



