
- આપના 7 થી 8 કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી
- આપના નેતાઓ અને કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો : પ્રચારમાં નિકળશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ
સુરત, રવિવાર
આ મહિનાની શરૂઆતમાં જ સુરત શહેર ભાજપ કાર્યાલય પર સોમવારે બપોરે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચેલા આપના કાર્યકરો - નેતાઓ સાથે ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હોવાનો આક્ષેપ પણ થયા હતા. પોલીસ સાથે ઘર્ષણને પગલે આપના નેતા દિનેશ કાછડિયા સહિત ત્રણ નેતાને ઈજા થઈ હતી. ત્યારે આજે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બીજી વખત ચકમક થઈ છે. વાલમ નગર સીમાડા નાકા પાસે હુમલો થયો હોવાનો AAPના કાર્યકરોએ આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે.

સુરતમાં વાલમ નગર સીમાડા નાકા પાસે આપના નેતાઓ જનસંવાદ કાર્યક્રમમાં પ્રચાર માટે ગયા હતાં. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલીયા સહીતના 7 થી 8 કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. આ ઘટના બાદ આપના નેતાઓ અને કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અને પ્રચારમાં નિકળશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આપના ઇજાગ્રસ્ત કાર્યકર સહીતના નેતાઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.



