Gujarat

લીલી પેનથી સહી કરવાના શેખચલ્લીના સપના જાેઈને ભાજપમાં આવેલા કોંગી ધારાસભ્યોનો દમ ઘૂંટાયો 

લીલી પેનથી સહી કરવાના શેખચલ્લીના સપના જાેઈને ભાજપમાં આવેલા કોંગી ધારાસભ્યોનો દમ ઘૂંટાયો 

- સત્તાની લાળ ટપકતી જાેઈ ભાજપમાં આવેલા બે ડઝન જેટલા કોંગી ધારાસભ્યોની હાલત કફોડી બનવાના એંધાણ
- ૨૦૨૨માં ભાજપ પોતાના ૧૦૦ જેટલા જૂનાજાેગીઓના પત્તાં કાપવાનો છે ત્યારે કોંગ્રેસનું ગોત્ર ધરાવતા ધારાસભ્યો પણ રડારમાં 

ગાંધીનગર, મંગળવાર 

   લાલચ બૂરી બલા છે અને તેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે, રાજકારણમાં આવ્યા પછી સત્તાની લાળ ટપકાવતા નેતાઓને દોમ દોમ સાહેબી ભોગવવી છે અને કેટલાક નેતાઓને તો એવા અભરખા હોય છે કે, લીલી પેનથી સહી કરવી છે. જાે કે, બધા નેતાઓના અરમાન પૂરા થતા નથી. પવન જાેઈને શઢ બદલતા નેતાઓ પોતાની સત્તા લાલસા રોકી શક્તા નથી, જનતા સાથે દ્રોહ કરતાં પણ તેમનો આત્મા ઘવાતો નથી. પક્ષપલટુ નેતાઓના હૈયે માત્રને માત્ર લાલચ સિવાય કોઈ ચીજ વસેલી નથી. ગુજરાતમાં છેલ્લા પાંચ-છ વર્ષથી આયારામ ગયારામનો સિલસિલો શરૂ થયો છે અને તેમાં ય મોટાભાગે કોગ્રેસના ધારાસભ્યો જ ભાજપમાં ભળ્યા છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી પહેલાં અને પછીથી અત્યાર સુધી ૧૫થી વધારે ધારાસભ્યો ભાજપમાં ભળ્યા છે અને તેમાંથી કેટલાક તો રાતોરાત મંત્રી બની ગયા હતા અને મંત્રી બન્યા બાદ એકાએક ઝીરો પણ થઈ ગયા હતા. અત્યારે આવા ધારાસભ્યોની હાલત મા મને કોઠીમાંથી બહાર કાઢ જેવી જાેવા મળી રહી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયો ધારણ કર્યો છે અને હવે તેઓ ભાજપ ટિકીટ આપશે તો ચૂંટણી લડશે તેમાં બેમત નથી પણ જનતા સ્વીકારશે કે કેમ તેના ઉપર સવાલ છે. ભાજપમાં ભળેલા કોંગ્રેસના ધારાસભ્યોને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે અને જનતા તેમને લીલાતોરણે ઘેર લાવી છે. 

   તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણી સરકારમાં કુંવરજી બાવળિયા કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા પ્રધાન બની ગયા હતા તો જવાહર ચાવડા પણ મંત્રી બની ગયા હતા. જાે કે, આ મંત્રીપદું બહું ટક્યું નહી અને રૂપાણીની સાથે સાથે આખે આખું મંત્રીમંડળ ઘેરભેગું કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા ધારાસભ્યોને મંત્રીપદ મળવાની બહુ મોટી આશા હતી પણ એ ફળીભૂત થઈ નહોતી. સત્તા માટે ઘણા નેતાઓએ લાળ ટપકાવી હતી પણ કંઈ મેળ પડ્યો નહોતો. ભાજપમાં ભળેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, પરષોત્તમ સાબરીયા, જે.વી.કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારુ, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગાવિત, અક્ષય પટેલ હાલ નવરાધૂપ બનેલા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજા મંત્રીપદું ભોગવે છે અને આગામી ચૂંટણીમાં તેમના પણ પત્તા કપાય તેવી હવા ચાલી રહી છે. ભાજપમાં મોટા ઉપાડે આવેલા કોંગ્રેસના નેતાઓની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ કપાય શકે છે અને કેટલાકને તેની ગંધ પણ આવી ચૂકી છે. કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા નેતાઓનું હાલ ભાજપમાં કોઈ ભાવ પૂછવાવાળું નથી અને વિધાનસભાની ચૂંટણીમાં આવા નેતાઓની ટિકીટ કાપીને ભાજપ તેની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા અણસાર જણાઈ રહ્યા છે. જાે કે, કેટલાક આવા નેતાઓએ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ ખૂલ્લો રાખ્યો છે. અગાઉ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કમલમમાં આવ્યા ત્યારે પણ બહુ સૂચક નિવેદન કર્યું હતું કે, ચૂંટણી જાહેર થયા બાદ ટિકીટ ફાળવણી થશે અને બાદમાં એક સપ્તાહ તો કેટલાકના આંસુ લૂછવામાં અને મનાવવામાં જશે. આ નિવેદન બહુ સૂચક હતું અને સમજનારા નેતાઓ માટે ઈશારો કાફી હતો. મોટા ઉપાડે મંત્રી બનવા માટે ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓની હાલત કફોડી બની રહી છે અને ભાજપ ટિકીટ કાપી નાખશે ત્યારે આવા નેતાઓની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઈ શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

લીલી પેનથી સહી કરવાના શેખચલ્લીના સપના જાેઈને ભાજપમાં આવેલા કોંગી ધારાસભ્યોનો દમ ઘૂંટાયો