Gujarat

કોરોનાના નિયમો માત્ર પ્રજા માટે : ભાજપના અલ્પેશ ઠાકોરે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જંગી જનમેદની એકઠી કરી 

કોરોનાના નિયમો માત્ર પ્રજા માટે : ભાજપના અલ્પેશ ઠાકોરે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જંગી જનમેદની એકઠી કરી 

- ક્યાં છે દંડો પછાડતી પોલીસ અને ક્યાં છે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવતું જિલ્લાનું વહીવટી તંત્ર 
- મહેસાણાના ખેરાલુના મંદ્રોપુરમાં ભાજપના અજમલ ઠાકોરની હાજરીમાં પણ કોરોનાના નિયમો નેવે મૂકાયા
- અગાઉ બોટાદમાં ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં કોરોનાના નિયમોની ઐસી તૈસી કરાઈ હતી 
- રાજ્યમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે, સરકાર વાઈબ્રન્ટ રદ કરે છે પણ અલ્પેશ ઠાકોરને કોઈનો ડર નથી 

ગાંધીનગર, શનિવાર

   રાજ્યમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે, વાઈબ્રન્ટ સમિટથી લઈ ફ્લાવર શો, પતંગ મહોત્સવ પણ રદ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના તમામ સરકારી કાર્યક્રમો 15મી જાન્યુઆરી સુધી રદ કરી દીધા છે. સરકારને નવી ગાઈડલાઈન બહાર પાડી છે અને કડક નિયંત્રણો મૂક્યા છે પણ એ નિયંત્રણો માત્રને માત્ર જનતાને જ લાગુ પડતા હોય તેમ જણાઈ રહ્યું છે. ભાજપના નેતાઓએ ભૂતકાળમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. અમદાવાદમાં ગત મંગળવારે ધર્મસભા યોજાયા હતા આજે ૪૦ જેટલા નેતાઓથી લઈ કાર્યકરો કોરોનામાં સપડાયા છે.

  રાજ્ય સરકાર કોરોનાને લઈ એક્શનમાં છે ત્યારે બીજી તરફ ભાજપના અલ્પેશ ઠાકોરને જાણે કે કોઈ કાયદા કાનૂન લાગુ પડતો ન હોય તેમ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું અને જેનું ઓપનિંગ કરાયું હતું ત્યારે જંગી જનમેદની ઊમટી પડી હતી. ખુદ અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓએ માસ્ક પહેર્યા નહોતા અને હાજર રહેલા લોકોએ પણ માસ્ક પહેર્યા નહોતા. ભાજપના અજમલજી ઠાકોર પણ અહીંયા હાજર હતા તેમ છતાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઊડાડવામાં આવ્યા હતા. અહીંયા સવાલ એ થાય છે કે, કોરોનાના નિયમો શું જનતા માટે જ બનાવવામાં આવે છે કે શું. રાજ્યમાં કોરોના પીકમાં છે તેની જાણ અલ્પેશ ઠાકોરને નથી કે શું. સામાન્ય માણસ પાસેથી દંડો પછાડીને દંડ વસૂલતી પોલીસ ક્યાં છે અને કોણે પરવાનગી આપી તે તપાસનો વિષય છે. સ્ટેડિયમમાં હાજર હજારોની મેદનીમાં એક વ્યક્તિ જ કોરોના સંક્રમિત હશે તો કેટલા લોકોને ચેપ લાગશે તેની ખબર સુદ્વા પણ કોઈને નથી. 

  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે અને તેનો સામનો કરવા માટે સરકાર પણ સજ્જ બની ચૂકી છે. અગમચેતીના ભાગરૂપે સરકારે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજી તરફ ભાજપના નેતાઓને જાણે કે કાયદા કાનૂનનો કોઈ ડર ન હોય તેમ મનફાવે તેમ ભીડ એકઠી કરી રહ્યા છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના મંદ્રોપુરમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપિનંગ હતું. જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અહીંયા કોરોનાના નિયમો કોરાણે મૂકાયા હતા અને જાણે કે રાજ્યમાં કોરોના જેવું કંઈ છે જ નહી તેવું જાેવા મળ્યું હતું. કોઈ મહાશયે માસ્ક પહેર્યા નહોતા તો સોશિયલ ડિસ્ટેન્સિંગની તો વાત જ શું કરવી.

  આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે, તેની મંજૂરી કઈ રીતે આપવામાં આવી હશે. સ્થાનિક પોલીસ તંત્રને તેની ગંધ સુદ્વા પણ આવી હશે નહી તેવા સવાલો ઊઠી રહ્યા છે. આ જંગી મેદની સુપરસ્પ્રેડર બનશે તો તેની જવાબદારી અલ્પેશ ઠાકોર કે અજમલજી ઠાકોર લેશે ખરા તે સવાલ જનતા પૂછી રહી છે. સરકાર કડક નિયમો બનાવે છે પણ એ નિયમો માત્રને માત્ર પ્રજા માટે જ બનાવાય છે તેવું લાગી રહ્યું છે. આમ જનતા ઈચ્છી રહી છે કે, અલ્પેશ ઠાકોર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, કેમ કે કાયદા બધાના માટે સરખા છે. તાજેતરમાં અગાઉ બોટાદમાં પણ ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાઈ હતી જેમાં પણ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઊડ્યા હતા. ભાજપના નેતાઓ એવું સમજી બેઠા છે કે, અમારી સરકાર છે એટલે અમે ગમે તે કરીએ અમને છૂટ છે અને અમને કોઈ રોકનાર કે ટોકનાર નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કોરોનાના નિયમો માત્ર પ્રજા માટે : ભાજપના અલ્પેશ ઠાકોરે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જંગી જનમેદની એકઠી કરી