
- અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો આદેશ
- નવી પેન્શન સ્કીમ લાગુ થયા બાદ નિયમિત કરાયેલા પણ હકદાર
પ્રયાગરાજ, સોમવાર
દૈનિક વેતન મેળવનારા પણ જૂનું પેન્શન મેળવવા માટે હકદાર હશે. ભલે તે નવી પેન્શન સ્કીમના આવ્યા બાદ નિયમિત કરવામાં આવ્યા હોય, પરંતુ જો તેનની નિયુક્તિ નવી પેન્શન યોજના લાગુ થવાથી પહેલાની છે, ત્યારે તે જૂનું પેન્શન મેળવવા માટે યોગ્ય રહેશે. આ વાત એક મામલાની સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદા દરમિયાન જણાવી છે.

આ કેસ પ્રયાગરાજ નગરનિગમના કર્મચારી કમાલુદ્દીન સાથે જોડાયેલો છે. તેમની નિયુક્તિ 1989માં નિગમમાં દૈનિક વેતનભોગી તરીકે થઈ હતી. વર્ષ 2008માં તેમને નિયમિત કરવામાં આવ્યા હતા. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે એપ્રિલ 2005થી જૂની પેન્શન સ્કીમ સમાપ્ત થઈ ચુકી છે. પરિણામે વિભાગે તેમને જૂનું પેન્શન આપવાના હકદાર માન્યા ન હતા.

હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે પેન્શન અને રિટાયરમેન્ટના લાભ માટે નિયુક્તિની તારીખ મહત્વની છે. કર્મચારીની નિયુક્તિ એ તારીખથી માનવામાં આવશે, જે તારીખથી તે સેવામાં આવ્યા હોય. જો કે હોઈકોર્ટ સમક્ષ એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો કે 1 એપ્રિલ, 2005 પછી સર્વિસમાં નિયમિત કરવામાં આવેલા કર્મચારીઓને જૂનાં પેન્શનના હકદાર માનવામાં આવે અથવા નહીં ? તેના સંદર્ભે અલ્હાબાદ હાઈકોર્ટે પ્રેમસિંહ વિરુદ્ધ યુપી રાજ્ય અને કૌશલ કિશોર ચૌબે કેસમાં પારીત સુપ્રીમ કોર્ટના નિર્ણયોના દ્રષ્ટાંત પર વિચારવિમર્શ કર્યો હતો.

જસ્ટિસ સરળ શ્રીવાસ્તવે આદેશ આપતા કહ્યુ હતુ કે જો દૈનિક વેતનભોગીની નિયુક્તિ નવી પેન્શન સ્કીમ લાગુ થવાથી પહેલા થઈ ચુકી છે, ત્યારે તે જૂના પેશનનો હકદાર છે. તેની સાથે જ 17 જુલાઈ-2019ના રોજ શાસન આદેશની પૃષ્ઠભૂમિમાં નવું પેન્શન લાગુ થવાથી પહેલા રાખવામાં આવેલા કર્મચારીઓને જૂનું પેન્શન નહીં આપવાનો નિર્ણય ખોટો અને ભ્રામક છે.

હાઈકોર્ટે તેની સાથે જ પ્રયાગરાજ નગરનિગમને આદેશ કર્યો છે કે કર્મચારીના પેન્શન સાથે જોડાયેલા તમામ દેણાંના પેમેન્ટ આદેશની કોપી પ્રાપ્ત થયાના ત્રણ માસની અંદર કરવું પડશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu


