- સુરેન્દ્રનગરના આઠ વર્ષના બાળકે અમદાવાદમાં 14 દિવસ જીવન મૃત્યુ વચ્ચે લડાઈ લડી, અંતે જિંદગીની જીત થઈ
- રવિવારે આશા છોડી દીધી હતી પણ તબીબોએ હિંમત ન હારી
અમદાવાદ, ગુરૂવાર
રામ રાખે તેને કોણ ચાખે... આ ઉક્તિને સાર્થક કરતી ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં સુરેન્દ્રનગરના એક ગામમાં રહેતું આઠ વર્ષનું બાળક કેનાલમાં પડી ગયા બાદ તેના શરીરમાં કાદવ ઘૂસી ગયો હતો. ગંભીર હાલતમાં બાળકને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં 14 દિવસની લાંબી લડાઈ બાદ અંતે બાળકની જિંદગીની જીત થઈ હતી. પરિવારે બાળકના બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ તબીબોએ હિંમત હાર્યા વગર બાળકની સારવાર ચાલુ રાખી હતી અને આજે આ બાળક હસતું રમતું ઘરે પરત ગયું હતું.
સુરેન્દ્રનગર પાસેના એક ગામમાં રહેતા પરિવારનું આઠ વર્ષનું બાળક ક્રિકેટ રમતા રમતા બોલ કેનાલમાં જતો રહ્યો હોવાથી બોલ લેવા માટે કેનાલમાં ઊતર્યો હતો. આ સમયે તેના બંને પગ કેનાલમાં ફસાઈ ગયા બાદ તેના શરીરમાં કાદવ ભરાઈ ગયો હતો. બાળકને આસપાસના લોકોએ ભેગા મળીને બહાર કાઢ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેની સ્થિતી ગંભીર બની ગઈ હતી. તુરંત જ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું પરંતુ બાળક શ્વાસ લઈ શકતું ન હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. સ્થિતિ વધુ ગંભીર બનતા પરિવારના સભ્યો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ સાથે જ તેને લઈને પહોંચ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકના ફેફસા સફેદ થઈ ગયા હતા, તેને ખેંચ આવવાની સાથે સાથે મગજનું દબાણ પણ ખૂબ જ વધી ગયું હતું.
આ ઉપરાંત હૃદયનું પંપિંગ પણ ખૂબ જ નબળું પડી ગયું હોવાને કારણે લીવર અને કીડનીને પણ નુકસાન થયું હતું. આખા શરીરમાં કાદવ પ્રસરી ગયો હોવાથી બાળકની સ્થિતિ અત્યંત નાજુક બની હતી. તબીબો દ્વારા બાળકના શરીરમાંથી કાદવ કાઢવામાં આવ્યો હતો. ફેફસામાં રહેલ મળને દૂર કરવામાં આવ્યા બાદ પણ બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર જ રાખવામાં આવ્યો હતો. હૃદયને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સારવાર આપવાની સાથે સાથે ખેંચની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. કિડનીના સોજા ઓછા કરવા માટે અને કાદવ દૂર કરવા માટે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે બાળકની પરિસ્થિતિને જોતા પરિવારે આશા છોડી દીધી હતી. પરંતુ તબીબો હિંમત હાર્યા ન હતા. સઘન સારવારના પાંચમા દિવસે બાળકે આંખ ખોલતાં તબીબોની હિંમત વધી હતી. ધીરે ધીરે ફેફસા અને અન્ય અંગો રિકવર થવાના શરૂ થયા હતા. આઠમા દિવસે વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યા બાદ બાળકની તબિયત ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. 14 દિવસની સઘન સારવાર બાદ બાળક એકદમ સ્વસ્થ થયું છે અને આજે આ બાળક તેના ઘરે પરત ફર્યું હતું. તબીબો પણ આ ઘટનાને એક ચમત્કારથી ઓછું નથી આંકી રહ્યા.