
- ૧૧મી મેના રોજ સાંજે પાંચ કલાકે રાજકોટમાં જાહેર સભા કરીને ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે
- પંજાબમાં સફળતા મળ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવાજૂની કરવાના મૂડમાં
ગાંધીનગર,શુક્રવાર
પંજાબમાં ભવ્ય સફળતા મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાત તરફ નજર દોડાવી છે. છેલ્લા એક મહિનાથી આપના નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ચૂકી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧૧મીમેના રોજ સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે જેમાં પહેલા દિવસે રાજકોટમાં સાંજે પાંચ કલાકે જાહેર સભા સંબોધશે અને પછી રેલી પણ યોજશે અને એક રીતે શક્તિ પ્રદર્શન પણ કરશે. બીજા દિવસે પણ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે રહેશે અને એક રીતે હવે આપ પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. અગાઉ તાજેતરમાં પહેલી મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ભરૂચમાં આવ્યા હતા અને જ્યાં આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં હાજરી આપી હતી. બીટીપી સાથે આપ પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જેના ભાગરૂપે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં કેજરીવાલે ગુજરાતની ભાજપની સરકારને આડે હાથ લીધી હતી. ભાજપના ગઢમાં આવીને કેજરીવાલે ગર્જના કરી હતી અને કહ્યું હતું કે, બસ એકવાર આ લોકોનો ઘમંડ તોડી નાખો. આજે ચૂંટણી કરાવી લો, તમારા સૂપડા સાફ થઈ જશે તેવો પડકાર પણ તેમણે ફેંક્યો હતો. માત્ર એટલું જ નહી પણ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચેલેન્જ કરી હતી અને દિલ્હીની સરકારી સ્કૂલો અને સરકારી હોસ્પિટલો જાેવા માટે આવવા કહ્યું હતું. કેજરીવાલે કોંગ્રેસ ઉપર પણ નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં હવે કંઈ બચ્યું નથી, કોંગ્રેસ ખતમ છે અને તેને વોટ આપવો પણ બેકાર છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે અને તેના રાજમાં સરકારી સ્કૂલોની હાલત કફોડી બની છે, સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ છે અને આમાં સુધારો કરવા માટે એક તક આપ પાર્ટીને આપવા માટે લોકોને અપીલ કરી હતી અને પાંચ વર્ષનું શાસન યોગ્ય ન લાગે તો લાત મારીને કાઢી મૂકવા પણ જણાવ્યું હતું.

દિલ્હી બાદ પંજાબમાં સફળતા મળ્યા બાદ હવે કેજરીવાલના નિશાના ઉપર ગુજરાત છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ગુજરાત પ્રવાસ પણ વધી ચૂક્યા છે ત્યારે પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તેઓ ભરૂચમાં આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓને પહેલા અંગ્રેજાેએ ચૂસ્યા હતા અને હવે પોતાના નેતાઓ ચૂસી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ દેશના બે અમીર વ્યક્તિ કે જેઓ ગુજરાતના છે તેમની સાથે ઊભી છે પણ આમ આદમી પાર્ટી ગરીબ અને આદિવાસી પ્રજા સાથે ઉભી છે. અમારી સાથે ઉપરવાળો છે અને જનતાનો સાથ છે, અમે ગરીબોની સાથે ઊભા છીએ. હું ગુજરાતના લોકો પાસે પ્યાર માગવા આવ્યો છું, સાંભળ્યું છે કે, ગુજરાતના લોકો બહુ ઈમોશનલ હોય છે. મને ગંદી પોલિટિક્સ નથી આવડતી, મને માત્ર કામ કરવાનું આવડે છે. ગુજરાતમાં ૬ હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે, અનેક સ્કૂલોમાં દીવાલો તૂટેલી છે અને શિક્ષકો પણ નથી. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો સારી સ્કૂલો બનાવશે. ભાજપ અને કોંગ્રેસ જનતાને લૂંટી રહ્યા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો તો ભાજપને પડકાર ફેંકતાં કહ્યું હતું કે, બસ એકવાર આ લોકોનો ઘમંડ તોડી નાખો. આજે ચૂંટણી કરાવી લો, તમારા સૂપડા સાફ થઈ જશે. કેજરીવાલ ભાજપ ઉપર પ્રહાર કરવાની એક પણ તક ચૂકતા નથી ત્યારે હવે રાજકોટમાં પણ તેઓ ભાજપને આડા હાથે લઈ શકે છે.


