- ત્રણ દિવસમાં ડીડીઓએ ૩૬ તલાટીના લોકેશન મગાવ્યા જેમાં ૯ તલાટીઓ અનિયમિત જણાયા
- તલાટીઓની ફરજ સમયે ડીડીઓએ ફોન કરીને લોકેશન માગતાં કેટલાય તલાટીઓ ગેંગેંફેંફેં થયા
ગાંધીનગર,ગુરુવાર
સરકારી નોકરી એટલે આરામની નોકરી અને કોઈ પૂછવાવાળું નહી એવી ગ્રંથિ દરેક સરકારી કર્મચારીઓમાં જાેવા મળે છે. કોઈ ભૂલ થશે કે બદલી થશે કે પછી સસ્પેન્ડ કરવામાં આવશે અને પછી કેસ પૂર્ણ થયા બાદ ફરી નોકરી ચાલુ થઈ જશે. સરકારના અનેક ખાતાઓમાં લોલમલોલ ચાલી રહ્યું છે અને સરકારી કર્મચારીઓ મનફાવે તેમ આવી રહ્યા છે અને ફરજ દરમિયાન પણ હાજર જાેવા મળતા નથી. આવા કર્મચારીઓની સાન ઠેકાણે આવે તે માટે સરકાર પણ એક્શનમાં આવી છે ત્યારે એક જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓ સામે સપાટો બોલાવ્યો છે અને ફરજ સમયે હાજર તલાટીઓના લોકેશન મગાવતાં ૯ જેટલા તલાટીઓની બોલતી બંધ થઈ ચૂકી છે અને તેઓ અનિયમિત જણાતાં હવે તેમની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે.