National

ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 7 તબક્કામાં થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ

ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 7 તબક્કામાં થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ

- પહેલા તબક્કામાં 10 ફેબ્રુઆરીએ થશે વોટિંગ

- યુપી વિ.સભાનો કાર્યકાળ 14 મે, 2022ના રોજ થાય છે પૂર્ણ

 

નવી દિલ્હી, શનિવાર

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓની તારીખોનું એલાન થઈ ગયું છે. શનિવારે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો શિડ્યૂલ જાહેર કર્યો છે. યુપીની કુલ 403 વિધાનસભા બેઠકો પર કુલ સાત તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

યુપીમાં 7 તબક્કામાં મતદાન-
પહેલો તબક્કો 10 ફેબ્રુઆરી
બીજો તબક્કો 14 ફેબ્રુઆરી
ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી
ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી
પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી
છઠ્ઠો તબક્કો 3 માર્ચ
સાતમો તબક્કો 7 માર્ચ
મતગણતરી-પરિણામ 10 માર્ચ

  મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યુ છે કે યુપીમાં 29 ટકા વોટર પહેલીવાર વોટિંગ કરશે. આ વખતે વોટિંગનો સમય એક કલાક લંબાવવામાં આવ્યો છે. તેની સાથે પદયાત્રા, રોડશો, સાઈકલ-બાઈક રેલી પર 15 જાન્યુઆરી સુધી રોક રહેશે.

  યુપી વિધાનસભાનો કાર્યકાળ 14 મે, 2022ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 14 મેથી હેલા વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. ઉત્તરપ્રદેશમાં કુલ 403 વિધાનસભા બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યુ છે કે આ વખતે 1250 મતદાતાઓ દીઠ એક બૂથ બનાવામાં આવ્યું છે. ગત ચૂંટણીની તુલનામાં 16 ટકા બૂથ વધારવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ સિવાય 80થી વધુ વયના નાગરિકો, દિવ્યાંગો અને કોરોનાગ્રસ્ત લોકોને પોસ્ટલ બેલેટની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.

  તેમણે કહ્યુ છે કે તમામ બૂથ પર પુરુષ અને મહિલા સુરક્ષાકર્મીઓ તહેનાત રહેશે. દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા દરેક બૂથ પર કરાશે. વોલિન્ટિયર્સ મદદ કરશે. વ્હીલચેર પણ દરેક બૂથ પર હશે. કોવિડ પ્રભાવિત અથવા કોવિડની શંકા ધરાવનારના ઘરે વીડિયો ટીમ સાથે પંચની ટીમ વિશેષ વાનથી જશે અને વોટિંગ કરાવશે. તેમને બેલેટ પેપરથી વોટ કરવાનો અધિકાર મળશે.

  આ સિવાય ગુનાહીત પૃષ્ઠભૂમિ ધરાવનારા ઉમેદવારો માટે અખબાર, ટીવી અને મીડિયા અને વેબસાઈટના હોમ પેજ પર ત્રણ વખત અલગ અલગ તબક્કાઓમાં જાણકારી જાહેર કરવી પડશે. જેથી જનતાને ખબર પડે કે તેમના ઉમેદવાર કેવા છે?

  2017ની ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એનડીએને યુપીમાંથી 325 બેઠકો મળી હતી. યોગી આદિત્યનાથ યુપીમાં મુખ્યમંત્રી તરીકે ટર્મ પુરી કરનારા પહેલા સીએમ છે. અપનાદળ-એસ અને નિષાદ પાર્ટી સાથે ભાજપે 2022 માટે ગઠબંધન કર્યું છે. તો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે નાના એક ડઝન જેટલા પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.

  પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની ઘોષણા કરીને મહિલા કાર્ડના સહારે કોંગ્રેસને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી ર્હયા છે. તો બીએસપીના પ્રમુખ માયાવતીએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી. પરંતુ બીએસપી આ વખતે 2007ની જેમ દલિત-બ્રાહ્મણ વોટ સમીકરણ ઉભું કરવા માંગે છે. તો અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ મુસ્લિમ વોટરોના સહારે યુપીમાં પગપેસારો કરવા માંગે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

 

ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 7 તબક્કામાં થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ