- પાંચ જેટલા યુવકોએ પઇપ અને હોકીથી હુમલો કર્યો હતો
- આ ઘટનામાં પાંચ લોકોએ ધોકા-પાઇપ અને હોકીથી હુમલો કરતાં યુવકને સારવાર માટે ખસેડાયો હતો.
રાજકોટ, મંગળવાર
રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં એક યુવક ઉપર પાંચ જેટલા યુવકોએ પઇપ અને હોકીથી હુમલો કર્યો હતો. આ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકાંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે ફરિયાદી મોસીનભાઇ બસીરભાઇ મુળીમા (ઉ.વ.26) એ જણાવ્યું હતું કે, જેતપુરમાં ભાદરના સામાકાંઠે નરશંગ ટેકરી પાસે રહેતાં મોસીનભાઇએ ફરીયાદમાં આરોપી તરીકે અશ્વિન વેગડા, વિક્રમસિંહ પરમાર, રાહુલ ઉર્ફે ડુંગળી, શૈલેષ રાઠોડ અને રાજુ નાથા મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચેક વર્ષથી તેના માસીને ત્યાં છુટક મજુરી કામ કરી રહે છે.
વધુમાં જણાવ્યું કે, તેઓ ગઈકાલે સાંજના માસીયાઇ ભાઇનું બાઇક લઈ ચાંદની ચોકમાં ગયેલ અને ત્યાંથી પરત ફરતા કેસર ચા હોટલ પાસે પહોંચતા અચાનક અશ્વિન વેગડા, વિક્રમસિંહ પરમાર, રાહુલ ઉર્ફે ડુંગરી તેની બાઇક આંતરી ત્રણેય શખ્સો પાસે હથિયાર સાથે હતાં. દરમિયાન અશ્વિન વેગડા તથા વિક્રમસિંહ પરમારે ગાળો આપી ધોકાથી હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ પણ ધોકાથી માર મારતાં તેઓ નીચે પડી ગયેલ હતો. દરમિયાન તેનો મિત્ર વચ્ચે પડતાં અશ્વિને કહયું કે ભાદરનો પુલ મારા બાપનો છે તું ચડીશ તો તને જાનથી મારી નાખીશ.... તેમ કહી આરોપીઓ નાસી છૂટ્યા હતાં. આ ઘટનામાં પાંચ લોકોએ ધોકા-પાઇપ અને હોકીથી હુમલો કરતાં યુવકને સારવાર માટે ખસેડાયો હતો.