Gujarat

હવે શાળાઓ પણ બંધ કરો, સરકાર : બાળકોને રસી તો સ્થાનિક સ્તરે પણ આપી શકાશે

હવે શાળાઓ પણ બંધ કરો, સરકાર : બાળકોને રસી તો સ્થાનિક સ્તરે પણ આપી શકાશે

- શિક્ષણ મંત્રીમાં જરાપણ સમજદારી હોય તો ધો.1થી 5ની શાળા તો તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ

- 15થી 18 વર્ષના બાળકો કાંઈ એક જ ડોઝથી સુરક્ષિત થઈ જવાના છે ?

- ગતાગમ વિનાની સરકાર ત્રીજી લહેર લઈને જ આવશે અને તેનો ભોગ આમ નાગરિક બનશે

અમદાવાદ, ગુરૂવાર

  ભલે મોડે તો મોડે વાયબ્રન્ટ સમિટ રદ કરીને સરકારે ડહાપણનું કામ કર્યું છે. હવે શાળાઓ પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે તે બદલાતા સમયનો તકાદો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીમાં સહેજ પણ સમજદારી હોય તો ધો.1થી 5ની શાળાઓ તો તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ. જોકે શિક્ષણ માફિયાઓની ફીની લાલચ રાજ્ય સરકારને આવો નિર્ણય લેતા રોકી રહી છે, જેના પગલે નિર્દોષ અને માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોય એવી સ્થિતિ ઉદભવી છે.

  હાલમાં 15થી 18 વર્ષની વયના બાળકોને શાળામાં રસી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પણ બાળકોને વેક્સિન તો સ્થાનિક સ્તરે પીએચસી કે સીએચસીમાં પણ આપી શકાય છે, એના માટે કંઈ શાળાઓ ચાલુ રાખીને સંક્રમણ વધારવાની અને બાળકોના જીવ જોખમમાં મુકવાની કોઈ જરૂર નથી. શિક્ષણ માફિયાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવવા માટે ઓફલાઈન શિક્ષણનો આગ્રહ રાખી રહ્યા છે અને સરકાર પણ તેની સામે ઘૂંટણીયા ટેકવીને બાળકોને જોખમમાં મુકી રહી છે. ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા પણ હજુ ચાલુ રાખીને સરકાર તેઓ મેડલ મેળવી લેવા માંગે છે એ સમજાતું નથી. ધો. 1થી 5ની શાળા તો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં જ સમજદારી છે પણ શિક્ષણમંત્રી તરીકે બેઠેલા જીતુ વાઘાણીના દિમાગમાં શાયદ આ વાત ઉતરતી નથી.

સરકારે ઓનલાઇન પણ ચલાવવાનું કહી ને હાથ ઉંચા કરી લીધા, એકેય શાળા ચલાવતી નથી
  રાજ્ય સરકારે ઓફલાઈનની સાથોસાથ ઓનલાઈન ક્લાસ પણ ચલાવવા માટેની સુચના આપીને પોતાના હાથ અધ્ધર કરી લીધા હતા એ પછી કઈ શાળા ઓનલાઇન શિક્ષણ આપે છે કે નથી આપતી એ જોવાની દરકાર કરી જ નથી. કારણ કે જો એની કોઈ તપાસ સરકારે કરી હોત તો ખબર પડત કે, રાજ્યની 99 ટકા શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપતી નથી અને લાખો રૂપિયાની ફીના ઉઘરાણા માટે ઓફલાઇનનો જ આગ્રહ રાખી રહી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

હવે શાળાઓ પણ બંધ કરો, સરકાર : બાળકોને રસી તો સ્થાનિક સ્તરે પણ આપી શકાશે