Gujarat

પોલીસ પરિવારોએ ગ્રેડ પેના મુદ્દે પુન: અંદોલન છેડ્યું, ગાંધીનગરમાં કલેકટરને આવેદન આપી રેલી કાઢી

- સત્યાગ્રહ છાવણીમાં દેખાવો ની મંજૂરી મળતા સેક્ટર-27માં રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યા

- ગાંધીનગરમાં શરૂ થયેલો સળવળાટ રાજ્યમાં ફરી વળે તેવા એંધાણ

ગાંધીનગર, શુક્રવાર

  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે પોલીસ પરિવારો ફરીથી ગ્રેડ પેના મામલે મેદાનમાં ઉતર્યા છે. સત્યાગ્રહ છાવણીમાં દેખાવો ની મંજૂરી મળતા આજે ગાંધીનગરના સેક્ટર 27 મા પોલીસ પરિવારોએ રેલી કાઢીને પોલીસ કર્મચારીઓને ગ્રેડ આપવાના મુદ્દે સૂત્રોચ્ચારો કરતાં વાતાવરણ ગરમાયું હતું. ગુજરાતના પોલીસ કર્મચારીઓનો સૌથી ઓછો પગાર હોવાના મામલે બે મહિના પૂર્વે શરૂ થયેલું આંદોલન સરકારની ખાતરી પછી સમેટાઈ ગયું હતું.

  જોકે, હવે ફરીથી આ મામલે પોલીસ પરિવારોએ રોડ પર ઉતરીને સૂત્રોચ્ચાર અને રેલી સાથે ફરીથી સરકારનું નાક દબાવ્યું છે. ગાંધીનગર જિલ્લા કલેકટરને આ મુદ્દે આજે પોલીસ પરિવારો એકઠા થઈને એક આવેદનપત્ર આપ્યું હતું અને ગ્રેડ-પેના મુદ્દે ધરણા કરવાની મંજૂરી માંગી હતી. આ સાથે આ મહિલાઓએ રાજ્યના અન્ય પોલીસ પરિવારોને પણ પોતપોતાના જિલ્લાઓમાં આવી જ રીતે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો અનુરોધ કર્યો હતો.

  ત્યાર બાદ ગાંધીનગરમાં સેક્ટર 27 ખાતે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારો ઉમટી પડે તેવી ભીતીના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર પણ આ મામલે સજાગ બની ગઈ છે. જોકે, આમ છતાં કેટલાક પોલીસ પરિવારો એકઠા થઈને ગાંધીનગરમાં રેલી સાથે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપ્યો હતો અને રોડ પર જ ધરણા કરવા માટે બેસી ગયા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

પોલીસ પરિવારોએ ગ્રેડ પેના મુદ્દે પુન: અંદોલન છેડ્યું, ગાંધીનગરમાં કલેકટરને આવેદન આપી રેલી કાઢી