Gujarat

રાજ્યમાં તૂટતી કોંગ્રેસ વચ્ચે રાહુલ ગાંધીએ ૨૦૨૨માં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો 

રાજ્યમાં તૂટતી કોંગ્રેસ વચ્ચે રાહુલ ગાંધીએ ૨૦૨૨માં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો 

- ૨૦૧૭માં ૭૭ બેઠકો જીત્યા પછી એક પછી એક ધારાસભ્યો ભાજપમાં ભળતાં કોંગ્રેસની હાલત કફોડી બની
- ૧૫થી વધારે ધારાસભ્યો ભાજપમાં ભળ્યા બાદ કોંગ્રેસ ૬૩ ઉપર આવી અટકી, હજુ પણ કેટલાક ધારાસભ્યો તૂટવાનો ડર 

ગાંધીનગર,મંગળવાર

   કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દાહોદ આવ્યા હતા અને તેમણે આદિવાસી મહા સંમેલનને સંબોધન કર્યું હતું અને ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીનો આ દાવો કેટલો સાચો ઠરશે એ તો આવનારો સમય બતાવશે પણ જે રીતે રાજ્યમાં કોંગ્રેસ તૂટી રહી છે તે રોકવામાં નહી આવે તો કોંગ્રેસને ૨૦૨૨માં મોટો ઝાટકો લાગી શકે છે. ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં મોટા ગાબડા પડી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ જાેવા મળી રહી છે. વર્ષ-૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પાટીદાર અનામત આંદોલનની તીવ્ર અસર હતી અને જેના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જે ભાજપ ૧૨૫ બેઠકો જીતવાનો દાવો કરતો હતો તેની બેઠકો ૯૯ ઉપર આવીને સમેટાઈ ગઈ હતી તો સામે કોંગ્રેસે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ૭૭ બેઠકો જીતી હતી. જાે કે, સત્તા માટે પનો ટૂંકો પડ્‌યો હતો અને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. રાજ્યમાં ભાજપે ૧૯૯૫ પછી ૨૦૧૭માં ૯૯ બેઠકો જીતીને ખરાબ દેખાવ કર્યો હતો. જાે કે, ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભાજપે કોંગ્રેસને તોડવાની શરૂઆત કરી હતી અને જેના ભાગરૂપે આજે ભાજપનું સંખ્યાબળ ૧૧૧એ પહોંચી ચૂક્યું છે. બીજી તરફ ૨૦૧૭માં કોંગ્રેસે શરૂઆતની મત ગણતરીમાં ભાજપના નેતાઓના શ્વાસ અદ્વર કરી દીધા હતા અને ભાજપથી આગળ ચાલતી હતી. જાે કે, મત ગણતરીના અંતે કોંગ્રેસ ૭૭ બેઠકો ઉપર આવીને અટકી ગઈ હતી. પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસને ખાસ્સો એવો ફાયદો થયો હતો પણ એક પછી એક ધારાસભ્યોએ કોંગ્રેસને બાય બાય કરતાં હવે કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે. વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી હાલ ભાજપનું સંખ્યાબળ ૧૧૧ થયું છે તો કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૬૩ થઈ છે. 

   ૨૦૨૨ના અંતમાં યોજાનાર વિધાનસભાનો ચૂંટણી જંગ જીતવા માટે ભાજપે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના પણ ગુજરાતમાં આંટાફેરા વધી ચૂક્યા છે. ૨૭ વર્ષથી ભાજપમાં સત્તામાં હોવા છતાં પણ ભાજપ ચૂંટણીને ગંભીરતાથી લઈ રહ્યો છે અને ક્યાંય કાચૂ કપાય ન જાય તેની તકેદારી રાખી રહ્યો છે. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપને ખાસ્સું એવું નુકસાન થયું હતું અને માત્ર ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૧૭નું પુનરાવર્તન ૨૦૨૨માં ન થાય તે માટે ભાજપે ક્યારની ય તડામાર તૈયારીઓ આરંભી દીધી છે અને તમામે તમામ ૧૮૨ વિધાનસભા બેઠકોનું એનાલિસિસ પણ કરી દેવામાં આવ્યું છે. નાના માર્જિનથી હારેલી બેઠકો ઉપર પકડ જમાવવા માટે ભાજપે પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે અને હવે આદિવાસી બેઠકો ઉપર ફોકસ વધાર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ તો તમામે તમામ ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે પણ તેમ ન થાય તો ૧૫૦ પ્લસ બેઠકો જીતી કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડવાનું પણ સપનું જાેઈ રહ્યા છે. ૨૦૨૨માં પાટીદાર અનામત આંદોલનની કોઈ અસર નથી અને નવી સરકાર છે એટલે ભાજપને વિશ્વાસ છે કે ૧૫૦ બેઠકો જીતાશે. બીજી તરફ કોંગ્રેસ પાસે ૨૦૨૨માં કોઈ પાટીદાર આંદોલન પણ નથી અને કોઈ મોટો મુદ્દો પણ નથી ત્યારે ૨૦૧૭ જેવો દેખાવ કરશે કે પછી તેમાં પણ પીછેહઠ થશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત કોંગ્રેસમાં હાલ એક સાંધે ત્યાં તેર તૂટી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો છે, એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઈ મોટો ચહેરો નથી કે જે ભાજપને ફાઈટ આપી શકે. ૨૭ વર્ષથી રાજકીય વનવાસ ભોગવતી કોંગ્રેસ ૨૦૨૨માં મોટા ચમત્કારની આશા રાખી રહી છે. અગાઉ પ્રશાંત કિશોર ઉપર મોટો મદાર હતો પણ તેઓ કોંગ્રેસમાં જાેડાયા નથી તો નરેશ પટેલ પણ હજું મગનું નામ મરી પાડતા નથી. હવે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે રથમાં બેસી ફરતા જાેવા મળી રહ્યા છે જેને લઈ કોંગ્રેસના નેતાઓની બેચૈની વધી ગઈ છે. આંતરિક જૂથવાદ અને ટાંટિયા ખેંચના કારણે કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસને હરાવી રહ્યા છે. ૨૦૨૨ના ચૂંટણી જંગમાં કોંગ્રેસ પૂરી તાકાતથી લડે છે કે પછી મેદાનમાં ઉતર્યા પહેલાં જ હાર સ્વીકારી લેશે તેના ઉપર પણ સૌની નજર મંડાયેલી છે. આ પરિપ્રેક્ષ્યમાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે અને બીટીપી સાથે ગઠબંધન કરીને ભાજપને પડકાર ફેંક્યો છે. આદિવાસી પટ્ટા એવા ભરૂચ વિસ્તારમાં બીટીપીનું વર્ચસ્વ છે અને હાલ તેની પાસે વિધાનસભાની બે બેઠકો છે. આપ પાર્ટી કોંગ્રેસના નારાજ નેતાઓને સામેલ કરી રહી છે અને કેજરીવાલ તાજેતરમાં જ આવા સારા નેતાઓને આમંત્રણ આપી ચૂક્યા છે. આપ પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન અને ભાજપને વકરો એટલો નફો થવાનું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હાલ જે ચાર બેઠકો ખાલી પડી છે જેમાં મહેસાણાના ઊંઝાની બેઠક ઉપર ભાજપના ડો.આશાબેન પટેલ ચૂંટાયા હતા અને કોરોનામાં તેમનું અવસાન થયું હતું. દ્વારકાની બેઠકના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને કોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે. અરવલ્લીની ભિલોડાની બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો.અશ્વિન કોટવાલનું કોરોનામાં અવસાન થયું હતું તો આજે એટલે કે અખાત્રીજના શુભ દિવસે સાબરકાંઠાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયો ધારણ કર્યો છે. ૨૦૨૨નો ચૂંટણી જંગ કશ્મકશભર્યો બની રહેશે તેમાં બેમત નથી. ભાજપ સત્તા ટકાવી રાખવા એડી ચોટીનું જાેર લગાવશે તો કોંગ્રેસ પરિવર્તન કરવા માટે સંઘર્ષ કરશે તો આમ આદમી પાર્ટી પણ અપસેટ સર્જવા માટે મહેનત કરશે તેમાં બેમત નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

રાજ્યમાં તૂટતી કોંગ્રેસ વચ્ચે રાહુલ ગાંધીએ ૨૦૨૨માં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો