Gujarat

કોંગ્રેસમાં હાર્દિક પટેલ કદ પ્રમાણે વેતરાયો : રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી મેવાણીનું નામ લીધું પણ હાર્દિકનું નામ સુદ્વા લીધું નહી

કોંગ્રેસમાં હાર્દિક પટેલ કદ પ્રમાણે વેતરાયો : રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી મેવાણીનું નામ લીધું પણ હાર્દિકનું નામ સુદ્વા લીધું નહી

- કોંગ્રેસમાં પ્રેશર ટેકનિક અપનાવતા હાર્દિકની રાહુલ ગાંધીએ ગંભીર નોંધ લીધી, હાર્દિકની માયુસી ઊડીને આંખે વળગી
- હજુ પણ હાર્દિક પટેલ ભાજપમાં જાેડાશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાવ આપતા નથી

ગાંધીનગર, બુધવાર 

  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે દાહોદમાં આવ્યા હતા અને આદિવાસી સંમેલનમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી તમામના નામ લીધા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકનું નામ સુદ્વા પણ લીધું નહોતું. રાહુલ ગાંધીએ જિજ્ઞેશ મેવાણીનું નામ લીધું હતું અને વખાણ પણ કર્યા હતા પણ હાર્દિકનું ક્યાંય નામ લીધું નહોતું. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પોતાની નારાજગી બહાર લાવી રહ્યો છે અને જેની ગંભીર નોંધ હાઈકમાન્ડે પણ લીધી છે. હજુ પણ હાર્દિક પ્રેશર ટેકનિક અપનાવી રહ્યો છે અને જેના કારણે હવે હાર્દિકને કદ પ્રમાણે વેતરવામાં આવી રહ્યો છે. બીજી તરફ હજુ પણ એવી અટકળો તેજ થઈ ચૂકી છે કે, હાર્દિક ગમે ત્યારે ભાજપમાં ભળી શકે છે. કોંગ્રેસમાં કોઈ નેતા હાર્દિકને ભાવ આપતા નથી અને જેથી વારંવાર હાર્દિક ઉભરો ઠાલવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે બરાબરનું ઘમાસાણ મચ્યું હતું.ત્રણ વર્ષથી હાર્દિકને કાર્યકારી પ્રમુખ બનાવ્યો હોવા છતાં પણ કોઈ જ કામગીરી કરાવવામાં ન આવી હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો અને નેતાગીરી સામે નિશાન તાક્યું હતું.

  ૨૦૧૭માં હાર્દિકનો ઉપયોગ કરાયો અને હવે ૨૦૨૨માં નરેશ પટેલનો ઉપયોગ કરાશે ત્યારે ૨૦૨૭માં કોને શોધવા જશો તેવા તીખા સવાલ કરીને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસમાં હજુ પણ સમૂસુતરું ચાલતું નથી તેની ગંધ આવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો દાળમાં કંઈક કાળું નહી પણ આખી દાળ જ કાળી હોવાની પ્રતીતિ થઈ રહી છે. હાર્દિકના આક્ષેપો સામે કોંગ્રેસના નેતાઓએ પણ પ્રતિક્રિયાઓ આપી દીધી હતી જેમાં પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો, જાહેરમાં નિવેદન કરવાથી ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન થાય નહી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ચર્ચાનો કોઈ મતબલ નથી, અમે હાર્દિકનો ખુલાસો માગીશું. હાર્દિક પાસે ખુલાસો માગીશું તેવું કહેનારા કોંગ્રેસી નેતાઓ નત મસ્તક થઈ ગયા હતા અને હાર્દિકના પિતાની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હાર્દિક પટેલે અગાઉ કોંગ્રેસ ઉપર તીખા પ્રહાર કર્યા હતા. તાજેતરમાં જામનગરમાં ભાજપના ધારાસભ્ય દ્વારા આયોજિત ભાગવત કથામાં હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જાેવા મળ્યો હતો અને જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સખ્ત નારાજ છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિક નવાજૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 

  ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસને ખાસ્સો એવો ફાયદો થયો હતો પણ હવે હાલ જે રીતે કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે તે જાેતાં કોંગ્રેસની હાલત વધુ ખરાબ થઈ શકે છે. અગાઉ રાજકોટ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું કહેવાયું હતું કે, નરેશ પટેલ આવી રહ્યા છે પણ હજુ સુધી એ પિક્ચર ક્લીયર થઈ શક્યું નથી. એક ચર્ચા એવી પણ ચાલે છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હાર્દિકનું રાજકીય કદ ખાસ્સું એવું ઘટી શકે છે અને તેના કારણે હાર્દિક આવા નિવેદન કરી રહ્યો છે. નરેશ પટેલને લઈ હજુ પણ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે અને કોંગ્રેસને હજુ આશા છે કે નરેશ પટેલના નામે ૨૦૨૨ની ચૂંટણી જીતી જવાશે પણ હાલ જે રીતે કોંગ્રેસમાં ધમાચકડી મચી છે જે જાેઈને નરેશ પટેલ પણ પોતાનો વિચાર ફેરવી તોળે તેમ છે. કોંગ્રેસમાં એક જૂથ એવું ઈચ્છે છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હાર્દિકના કદમાં ઘટાડો થઈ શકે તેમ છે. હાર્દિક પણ નરેશ પટેલને લઈ અંદરખાને અસલામતી અનુભવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

  કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક થયા બાદ એવું હતું કે કોંગ્રેસમાં જૂથવાદ ખતમ થઈ જશે પણ ઉલટાનો જૂથવાદ વકરી રહ્યો છે અને એક પછી એક વિકેટો પડી રહી છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી ચાલ્યો આવતો રાજકીય વનવાસ ૨૦૨૨માં દૂર થાય તે માટે કોંગ્રેસે કવાયત તો હાથ ધરી છે પણ હજુ એ માટે ખાસ્સી એવી મહેનત કરવી પડશે અને હવે કોંગ્રેસને તૂટતી બચાવવી પડશે. પ્રદેશ પ્રમુખ બેબાકાળા બનીને નિવેદન આપે કે, એક બે વ્યક્તિના જવાથી કોઈ ફેર પડતો નથી પણ સામી ચૂંટણીએ ખાસ્સો એવો ફેર પડે છે તે ભૂલવું જાેઈએ નહી.  નરેશ પટેલને લઈ હજુ પેચ ફસાયેલો છે અને તેનો સુખદ ઉકેલ આવશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. દરેક જિલ્લામાં મોટા ગજાના નેતાઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને તેમની એક જ ફરિયાદ હોય છે કે, અમારું કોઈ સાંભળતું જ નથી, અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે. હાર્દિકે અગાઉ તીખા તેવર અપનાવ્યા હતા અને ભાજપમાં જાેડાશે તેવી હવા પણ ચાલી હતી. જાે કે, હવે ઘીના ઠામમાં ઘી પડ્યું છે એટલે કોંગ્રેસને રાહત થઈ છે. હાર્દિકને લઈ કોંગ્રેસ હજુ પણ વેઈટ એન્ડ વોચમાં છે અને ગમે ત્યારે હાર્દિક પક્ષપલટો કરે તેવી ગંધ પણ કોગ્રેસના નેતાઓને આવી ચૂકી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

કોંગ્રેસમાં હાર્દિક પટેલ કદ પ્રમાણે વેતરાયો : રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી મેવાણીનું નામ લીધું પણ હાર્દિકનું નામ સુદ્વા લીધું નહી