
- પશ્ચિમ યુપીમાં 2017માં બીએસપી રહી હતી બીજા સ્થાને
- 2022માં ભાજપ-સમાજવાદી પાર્ટી વચ્ચે મુકાબલાની શક્યતા
નવી દિલ્હી, સોમવાર
યુપીમાં પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. આ તબક્કામાં યુપીના સુગર બેલ્ટ એટલે કે પશ્ચિમ યુપીમાં વોટિંગ થશે. આ વિસ્તારમાં ખેડૂતોના મુદ્દાઓ પર જ વોટિંગની સંભાવના છે. 2017માં ભાજપને અહીં જબરદસ્ત જીત પ્રાપ્ત થઈ હતી. ત્યારે બીએસપીએ ભાજપની સામે મોટાભાગની બેઠકો પર ટક્કર લીધી હતી.

જો કે ભાજપે અત્યાર સુધીના પ્રચારમાં સમાજવાદી પાર્ટીને પોતાના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે રજૂ કરી છે. પરંતુ પશ્ચિમ યુપીની 58 બેઠકો પર બીએસપીથી પડકાર મળતો દેખાય રહ્યો છે. ઓછામાં ઓછું ગત ચૂંટણીઓમાં માયાવતીની પાર્ટીનું પ્રદર્શન આની તરફ જ ઈશારો કરી રહ્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 403માંથી 312 બેઠકો પર જીત મેળવી હતી. જેમાં સુગર બેલ્ટમાં 58માંથી 53 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટી અને બએસપી બંનેને 2-2 બેઠકો મળી હતી અને આરએલડીને માત્ર એક બેઠક મળી હતી. બીએસપીને જીત ભલે બે બેઠકો પર મળી હતી, પરંતુ તે 30 બેઠકો પર ભાજપની સામે ટક્કરમાં હતી. આ બેઠકો પર બીજા સ્થાને બીએસપી રહી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી 15, કોંગ્રેસ 5 અને આરએલડી 3 બેઠકો પર બીજા સ્થાને રહી હતી.

કહેવામાં આવે છે કે 2017માં મુઝફ્ફરનગર હુલ્લડો બાદ આ ક્ષેત્રમાં મતોના ધ્રુવીકરણની સ્થિતિ જોવા મળી હતી. ભાજપ આ મુદ્દાને લઈને ચૂંટણીમાં ઉતરતું દેખાયું હતું. પરિણામ એ રહ્યું કે મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીતની સરસાઈ 40 હજાર વોટથી વધુ રહી હતી. આ વખતે પહેલા તબક્કામાં જ મુઝફ્ફરનગર અને કૈરાના બંને ક્ષેત્રોમાં મતદાન થવાનું છે.

આ પહેલા 2012માં બીએસપીએ આ વિસ્તારમાં સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરી હતી. 2012માં બીએસપીએ 20 બેઠકો મેળવી હતી, સમાજવાદી પાર્ટીએ 14, ભાજપે 10, આરએલડીએ 9 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. ત્યારે પણ બીએસપી જ સૌથી વધુ બેઠકો પર બીજા સ્થાને રહી હતી. 2013માં થયેલા મુઝફ્ફરનગરના હુલ્લડો સુધી બીએસપીએ આ વિસ્તારમાં મુસ્લિમો અને દલિતોની વોટબેંક મોટેભાગે પોતાની સાથે રાખવામાં સફળતા મેળવી હતી.

તેવી જ રીતે આરએલટીએ પોતાના જાટ વોટો જાળવી રાખ્યા હતા. પરંતુ જ્યારે હુલ્લડ થયા તો જાટ વોટની સાથે દલિત વોટોનો એક મોટો હિસ્સો ભાજપની સાથે ગયો. તેના કારણે ભાજપને 2017માં 58માંથી 53 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. ધ્રુવીકરણની વાત એનાથી પણ સ્પષ્ટ થાય છે કે 2012માં આ વિસ્તારમાંથી 11 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા, તો 2017માં આ વિસ્તારમાંથી માત્ર 3 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા.

જો કે ખેડૂત આંદોલન બાદથી ફરી એકવાર પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં રાજકીય તસવીર બદલાવવાની સંભાવનાઓ વ્યક્ત કરાય રહી છે. ભાજપ ગત ચૂંટણીમાં અહીં મજબૂત ગણાતું ન હતું. આ કારણ છે કે ગન્ના કિસાનોને તમામ પાર્ટીઓ લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. તાજેતરમાં આદિત્યનાથ સરકારે વીજદરોને ઘટાડયા છે. તો સમાજવાદી પાર્ટીએ ખેડૂતોને મફત વીજળી અને આરએલડી દ્વારા કર્જમાફીનો વાયદો પણ કરવામાં આવ્યો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu


