National

સુપ્રીમ કોર્ટે EWS/OBC અનામતના આધારે આ સત્રમાં નીટ-પીજી કાઉન્સિલિંગને આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે EWS/OBC અનામતના આધારે આ સત્રમાં નીટ-પીજી કાઉન્સિલિંગને આપી મંજૂરી

- સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ શરૂ કરવાની આપી મંજૂરી

- OBS, EWS અનામત પ્રવર્તમાન સત્રથી લાગુ થશે

- સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રેસિડેન્ટ ડોક્ટરોને રાહત

 

નવી દિલ્હી, શુક્રવાર

  સુપ્રીમ કોર્ટે પ્રવર્તમાન ઓબીસી/ઈડબ્લ્યૂએસ અનામતના આધારે 2021-2022 માટે નીટ પીજી કાઉન્સિલિંગની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે 27 ટકા અનામત અને આર્થિકપણે નબળા વર્ગની શ્રેણી માટે 10 ટકા અનામતને મંજૂરી આ વર્ષે પ્રવર્તમાન માપદંડોના આધારે તમામ મેડિકલ સીટો માટે નીટમાં પ્રવેશ માટે અખિલ ભારતીય કોટા સીટોમાં આપી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠે ગુરુવારે આદેશ સુરક્ષિત રાખ્યો હતો અને તમામ પક્ષો સાથે વિચારવિમર્શ કરવા માટે લેખિત લલીલો દાખલ કરવા માટે જણાવ્યું હતું.

  નીટ પીજી કાઉન્સિલિંગ મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કાઉન્સિલિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે. તેની સાથે કાઉન્સિલિંગમાં ઓબીસી અને ઈડબ્લ્યૂએસ અનામતને આ સત્રમાં યથાવત રાખ્યું છે. કેન્દ્ર સરકારે કાઉન્સિલિંગ શરૂ કરવાની અપીલ કરી હતી. કોર્ટે ગુરુવારે આના સંદર્ભે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઓબીસીને નીટ પીજી કાઉન્સિલિંગમાં 27 ટકા અનામત મળશે. તેની સાથે ઈડબ્લ્યૂસી સ્ટૂડન્ટ્સને પણ આ સત્રથી અનામતનો ફાયદો મળશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાઉન્સિલિંગ જલ્દીથી શરૂ કરવાની જરૂરત છે. કોર્ટ આ મામલામાં માર્ચમાં વિગતવાર સુનાવણી કરશે. કોર્ટના ચુકાદાથી નીટ પીજીના વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે, કારણ કે હવે કાઉન્સિલિંગની રાહ આસાન થઈ ગઈ છે.

  સુપ્રીમ કોર્ટમાં ઓલ ઈન્ડિયા કોટા મેડિકલ સીટોમાં ઓબીસીને 27 ટકા અને ઈડબ્લ્યૂસીને 10 ટકા અનામત પ્રદાન કરવા માટે કેન્દ્ર અને ચિકિત્સા પરામર્શ સમિતિના 29 જુલાઈના નોટિફિકેશનને અરજી દ્વારા પડકારવામાં આવ્યું હતું. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે દેશહિતમાં કાઉન્સિલિંગની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

  મહત્વપૂર્ણ છે કે નીટ કાઉન્સિલિંગમાં વિલંબને કારણે નવા સેશનના એડમિશન અટવાયેલા હતા. કોરોનાકાળમાં હોસ્પિટલોમાં કામ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી રહ્યું હતું. તેના કારણે દિલ્હીના ડોક્ટરોએ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકાર સામે મોટું પ્રદર્શન કર્યું હતું. તેના પછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાંથી નીટ પીજી કાઉન્સિલિંગ મામલામાં ઝડપી સુનાવણી કરવાની માગણી કરી હતી.

  નીટ પીજી મામલામાં સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ દાતારનું કહેવુ હતુ કે જ્યાં સુધી 8 લાખની મર્યાદાની વાત છે, તો તેનો કોઈ આધાર ન હતો. હું એ જણાવવા માંગતો હતો કે સિન્હો સમિતિ 2006માં બની હતી અને 2010માં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. હવે આ સમિતિમાં મેજર જનરલ દવે સામેલ હતા અને તેમણે હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશની સહાયતા પણ લીધી હતી. આવકના માપદંડ સંદર્ભે સમિતિએ ઘણું વિસ્તૃત અધ્યયન કર્યું છે. તેવામાં આ સ્પષ્ટ છે કે 8 લાખ એક ટોપ ડાઉન એપ્રોચ છે, ન કે બોટમ એપ્રોચ.

  સુનાવણી દરમિયાન સરકારે કહ્યું હતું કે હાલની સ્થિતિમાં ડોક્ટરોની તાત્કાલિક આવશ્યકતા છે. અરજદારોએ કહ્યું છે કે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન માપદંડો બદલવામાં આવ્યા છે. પરીક્ષાની તારીખ ઘોષિત થયા બાદ સામાન્ય વર્ગની 2500 બેઠકો ઘટી છે. અનામત માટે 50 ટકાની સીમા છે. અરજદારો તરફથી વરિષ્ઠ એડવોકેટ શ્યામ દીવાને ઈડબ્લ્યૂસી અને ઓબીસી કોટા લાગુ કરવા માટે 29 જુલાઈના નોટિફિકેશનને ટાંક્યું હતું.

  તેમણે કહ્યુ હતુ કે આ ખેલની વચ્ચે નિયમો બદલવા જેવું છે, કારણ કે અનામત નીતિ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થયા બાદ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે તર્ક આપ્યો હતો કે પીજી મેડિકલ પ્રવેશમાં નવી અનામત યોજનાએ 2500થી વધારે જનરલ કેટેગરીની બેઠકો ઘટાડી દીધી છે. માટે પ્રવર્તમાન સત્રમાં તેને લાગુ કરવું જોઈએ નહીં.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

સુપ્રીમ કોર્ટે EWS/OBC અનામતના આધારે આ સત્રમાં નીટ-પીજી કાઉન્સિલિંગને આપી મંજૂરી