
- આદિવાસી સમાજની અનામત ૨૭ બેઠકો ઉપર પ્રભુત્વ જમાવવા કોંગ્રેસ,ભાજપ અને આપ પાર્ટી મેદાનમાં આવી
- અશ્વિન કોટવાલ, મંગળ ગામિત અને જીતુ ચૌધરી જેવા આદિવાસી સમાજના નેતાઓને ભાજપ કોંગ્રેસમાંથી ખેંચી લાવી
ગાંધીનગર, બુધવાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ આદિવાસી વોટબેન્ક ઉપર નજર દોડાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધ્યું હતું તો પહેલી મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચમાં આદિવાસી સંમેલનમાં હાજરી આપી હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દાહોદમાં આદિવાસી સંમેલન યોજીને ચૂંટણીનું રણશિંગૂં ફૂંકી દીધું છે. આદિવાસી સમાજ પરંપરાગ કોંગ્રેસની કોર વોટબેન્ક રહી છે. આદિવાસી સમાજની રાજ્યમાં ૧૫ ટકા વસતિ છે અને તેની ૨૭ બેઠકો અનામત છે અને આ સિવાય ૧૦થી વધારે બેઠકો ઉપર આદિવાસી સમાજના મત નિર્ણાયક છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આદિવાસી સમાજના ૫૦ ટકાથી વધારે મત મળ્યા હતા જ્યારે ભાજપને ૩૫ ટકા અને અન્યના ખાતામાં ૧૦ ટકા મત ગયા હતા. ૨૦૦૭માં કોંગ્રેસને ૨૭માંથી ૧૪ બેઠકો મળી હતી તો ૨૦૧૨માં કોંગ્રેસને ૧૬ બેઠકો મળી હતી. બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને સૂરત સુધી આદિવાસી સમાજ ફેલાયેલો છે. દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની મજબૂત વોટબેન્ક છે. આદિવાસી સમાજમાં અનેક પેટાજાતિઓ છે જેમાં ભીલ, દુબલા, ઘોડિયા, રાઠવા, વરલી, ગાવિત, કોકણા, નાપકડા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસી)નો સમાવેશ થાય છે.અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ૩૮ બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે અને આ બેઠકો ઉપર પકડ જમાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જાેર લગાવી રહી છે. આદિવાસી સમાજ કોની સાથે રહેશે એ તો આવનારો સમય બતાવશે પણ હાલ આદિવાસી સંમેલન યોજવા માટે હોડ લાગી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અંબાજીથી શરૂ કરીને છેક ઉમરગામના પટ્ટા સુધી આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી ૩૮ બેઠકો છે જેમાં ૨૭ બેઠકો અનામત છે. ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫, ભાજપને ૯, બીટીપીને ૨ અને અપક્ષને એક બેઠક મળી હતી. આદિવાસી સમાજ પરંપરાગત કોંગ્રેસ સાથે જાેડાયેલો છે પણ ભાજપ પાછલી ચૂંટણીમાં ૯ બેઠકો ઝૂંટવી ગયો હતો. ભાજપે આદિવાસી સમાજ ઉપર ફોકસ વધાર્યું છે અને વડા પ્રધાન મોદીએ પણ દાહોદમાં જ આદિવાસી સંમેલન કર્યું હતું. આમ આદમી પાર્ટીના કેજરીવાલે પણ બીટીપી સાથે જાેડાણ કર્યું છે અને જેના ભાગરૂપે ભરૂચમાં આદિવાસી એકતા સંમેલન યોજ્યું હતું. હવે કોંગ્રેસે પણ દાહોદમાં વિશાળ આદિવાસી સંમેલન યોજીને ચૂંટણીનું રણશિંગૂં ફૂંકી દીધું છે. આદિવાસી સમાજના મત અંકે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી એક બીજાને ટક્કર આપી રહ્યા છે પણ આદિવાસી સમાજ કોની સાથે રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. રાજ્યમાં આદિવાસી સમાજની અંદાજે ૧૫ ટકા જેટલી વસતિ છે અને વિધાનસભાની ૩૮ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. આ ૩૮ પૈકી ૨૭ બેઠકો અનામત છે અને આ બેઠકો કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ચૂકી છે.

૧૯૯૫થી આદિવાસી સમાજ કોની સાથે
આદિવાસી સમાજ કોંગ્રેસની કોર વોટબેન્ક ગણાય છે પણ તેમાં ભાજપે ગાબડાં પાડવાની શરૂઆત કરી દીધી છે. ૧૯૯૫થી શરૂઆત કરીએ તો આદિવાસી સમાજની અનામત કુલ ૨૬ બેઠકોમાંથી ભાજપને ૧૪ અને કોંગ્રેસને ૮ બેઠકો મળી હતી. ૧૯૯૮માં ભાજપને ૮ અને કોંગ્રેસને ૧૫ બેઠકો મળી હતી. ૨૦૦૨માં ભાજપને ૧૩ તો કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. ૨૦૦૭માં ભાજપને ૧૧ તો કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી. ૨૦૧૨માં આદિવાસી સમાજની અનામત બેઠકમાં એકના વધારા સાથે કુલ બેઠકો ૨૭ થઈ હતી અને જેમાં ભાજપને ૧૦ અને કોગ્રેસને ૧૬ બેઠકો મળી હતી તો ૨૦૧૭માં ભાજપને ૯ અને કોંગ્રેસને ૧૫ અને અન્યને ૩ બેઠકો મળી હતી.


