Gujarat

ઈધર જાઉ કે ઉધર જાઉ : ભાજપમાં જેમની ટિકીટ કપાવવાની છે તેવા નેતાઓની બેચૈની વધી 

ઈધર જાઉ કે ઉધર જાઉ : ભાજપમાં જેમની ટિકીટ કપાવવાની છે તેવા નેતાઓની બેચૈની વધી 

- કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા ધારાસભ્યોની મૂંઝવણ વધી, ભાજપ ટિકીટ નહી આપે તો આપ પાર્ટી વિકલ્પ બનશે
- ભાજપનું દિલ્હી આલા કમાન એક ઝાટકે પક્ષપલટુઓની રાજકીય સફર ઉપર પૂર્ણવિરામ મૂકી દે તેવા સંકેત

ગાંધીનગર,શુક્રવાર 

   ભાજપના પણ જૂના જાેગીઓ કે જેમની ટિકીટ કપાવવાની ફાઈનલ છે તેઓ માટે પણ પહેલી પસંદ આપ પાર્ટી બની રહી છે. હાલ આવા નેતાઓ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી રહ્યા છે. મૂળ કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા નેતાઓ માટે હાલ મુસીબત સર્જાયેલી છે, જાે ભાજપ ટિકીટ નહી આપે તો ઘરવાપસી કરવાના મૂડમાં છે પણ તેમાંય કેટલાક નેતાઓના મતે હવે આપ પાર્ટી મજબૂત વિકલ્પ બની શકે છે. વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ નો-રિપીટ થિયરી અમલી કરી શકે છે અને જાે તેમ થાય તો ૧૦૦થી વધારે નેતાઓના રાજકીય અસ્તિત્વ સામે સવાલ ઊભો થઈ શકે છે. આવા નેતાઓની હાલત કફોડી બની શકે છે અને તેમના ચૂંટણી લડવાના અભરખા અધૂરા જ રહી શકે છે. ભાજપ હવે નો-રિપીટ થિયરી અપનાવીને કહેવાતા દિગ્ગજ અને જૂનાજાેગી નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીમાં લાગ્યો છે. ૧૦૦થી વધારે ધારાસભ્યોની ટિકીટ કપાઈ શકે છે અને તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરી દેવામાં આવશે. જાે કે, કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓને ઘેસ બેસાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે અને આવા નેતાઓ ફરીથી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસનો પંજાે પકડી શકે છે. હાલ નવરાધૂપ બનેલા કેટલાય કોંગ્રેસના પણ હાલ ભાજપમાં રહેલા નેતાઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે અને વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. પોતાની ટિકીટ કપાશે કે કેમ તેના ઉપર નજર રાખીને બેઠા છે. સત્તા માટે લાલચુ ધારાસભ્યો ગમે તે કરી શકે છે અને તેવા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કર્યું હતું અને ભાજપમાં ભળ્યા હતા. 

   છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી ૨૧ ધારાસભ્યો ભાજપમાં ભળ્યા છે અને હજુ આગામી દિવસોમાં બીજા ધારાસભ્યો પણ કેસરિયા રંગમાં રંગાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કુંવરજી બાવળિયા ૨૦૧૮માં જસદણ બેઠક ઉપરથી લડ્યા હતા અને પેટા ચૂંટણી જીત્યા હતા અને તેમણે રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી પણ બનાવાયા હતા. જાે કે, આ મંત્રીપદ બહું લાંબું ચાલ્યું નહોતું અને રૂપાણી સરકારના પતન પછી તેઓનું મંત્રીપદ પણ છીનવાઈ ગયું હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને સ્થાન ન મળતાં પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. માણાવદર બેઠક ઉપરથી જવાહર ચાવડા ૨૦૧૯માં ભાજપમાંથી પેટા ચૂંટણી જીત્યા હતા અને તેમને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમની પણ બાદબાકી કરી દેવામાં આવી હતી. રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યમાથી ૨૦૧૯માં ભાજપ તરફથી પેટાચૂંટણી જીત્યા હતા અને વોટબેન્કના આધારે તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રી મંત્રી બનાવાયા છે. ડો.આશાબેન પટેલ પણ ઊંઝા બેઠક ઉપરથી ૨૦૧૯માં પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીત્યા હતા. જાે કે, ડીસેમ્બરમાં કોરોનાના કારણે તેમનું અવસાન થયું હતું અને હવે આ બેઠક ખાલી પડી છે. સિદ્વપુર બેઠક ઉપરથી બળવંતસિંહ રાજપૂત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર હતા પણ તેમની હાર થઈ હતી. સાણંદ બેઠકના ઉમેદવાર કરમશી પટેલ ભાજપમાં ભળ્યા હતા અને તેમના દીકરા કનુ પટેલને ટિકીટ મળી હતી અને તેઓ જીત્યા હતા. માણસા બેઠક ઉપરથી અમિત ચૌધરી ૨૦૧૭માં ભાજપ તરફથી પેટા ચૂંટણી લડ્યા હતા પણ હાર થઈ હતી. સ્વ. વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડીયા ૨૦૧૭માં જેતપુરથી પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીત્યા હતા અને રૂપાણી સરકારમાં મંત્રી બનાવાયા હતા પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું હતું. આ સિવાય ઠાસરા બેઠક ઉપરથી રામસિંહ પરમાર ૨૦૧૭માં ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા હતા પણ હાર થઈ હતી. વિરમગામ બેઠક ઉપરથી તેજશ્રીબેન પટેલની પણ ૨૦૧૭ની પેટા ચૂંટણીમાં હાર થઈ હતી. બાલાસિનોર બેઠક ઉપરથી માનસિંહ ચૌહાણ ૨૦૧૭માં ભાજપ તરફથી લડ્યા હતા અને હાર્યા હતા. હિંમતનગરથી રાજેન્દ્ર ચાવડા ભાજપ તરફથી જીત્યા હતા. ચંદ્રસિંહ રાઓલજી ગોધરા બેઠક ઉપરથી જીત્યા હતા, ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર (ઉત્તર) બેઠક ઉપરથી ૨૦૧૭માં ભાજપ તરફથી જીત્યા હતા. કરજણથી અક્ષય પટેલ ભાજપ તરફથી જીત્યા હતા, મોરબીથી બ્રિજેશ મેરઝા પણ જીત્યા હતા, કપરાડાથી જીતુ ચૌધરી પણ જીત્યા હતા, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા ૨૦૨૦માં ભાજપ તરફથી જીત્યા હતા. ધારી બેઠક ઉપરથી જે.વી.કાકડીયા ભાજપ તરફથી જીત્યા હતા. રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર ભાજપમાંથી મેદાનમાં ઉતર્યા હતા પણ હાર થઈ હતી તો અરવલ્લીની બાયડ-માલપુર બેઠક ઉપરથી ધવલસિંહ ઝાલાની પણ ભાજપમાંથી હાર થઈ હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ઈધર જાઉ કે ઉધર જાઉ : ભાજપમાં જેમની ટિકીટ કપાવવાની છે તેવા નેતાઓની બેચૈની વધી