Gujarat

ખંભાતના ઉંદેલ ગામમાંથી 3 મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું 

ખંભાતના ઉંદેલ ગામમાંથી 3 મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું 

- ખંભાતના ઉંદેલ ગામના 5 મિત્રો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરતા સર્જાયો હતો અકસ્માત 
- કાર અકસ્માતમાં ત્રણેય યુવકના થયા હતા મૃત્યુ

ખંભાત, સોમવાર 

   ખંભાતના ઉંદેલ ગામના 5 મિત્રો ગાડી લઇને ઉજ્જૈનથી દર્શન કરીને પરત ઉંદેલ જતાં ગોધરાના ઓરવાડા પાસે પૂરઝડપે જતી કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે 3 યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. આ બનાવ બાદ ખંભાતના ઉંદેલ ગામમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. 

    ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ઉજ્જૈન મંદિરે દર્શન કરીને 5 યુવાનો કાર લઇને ખંભાતના ઉંદેલ ગામે જવા નીકળ્યા હતા. ગોધરાના ઓરવાડા પાસેના હાઇવે ઉપર પૂરઝડપે જતી કારનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર જોડે અથડાતા કારના કુચેકુચ્ચા થઇ ગયા હતા. અકસ્માત થતાં કારમાં આગળ બેસેલા અને એક પાછળ બેઠેલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સ્થાનિક અને પોલીસની મદદથી બહાર કાઢીને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યારે 3 મૃતદેહને પીએમ અર્થે ગોધરા સિવિલ ખાતે લાવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો તથા પટેલ સમાજના અગ્રણીનો ઉમટી પડ્યા હતા. ત્યારે આજે ખંભાતના ઉંદેલમાં ત્રણેય મૃતક યુવકોની અંતિમયાત્રા એક સાથે નીકળતાં ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. 

 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો


 

ખંભાતના ઉંદેલ ગામમાંથી 3 મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું